અનુભવી ભારતીય મિડલ ઓર્ડર પાસે કીવી બોલર્સનો જવાબ ન હતો, બુમરાહને વિકેટ ન મળવી તે મોટું નુકસાન

Wednesday 30th June 2021 07:38 EDT
 
 

લંડનઃ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને ૮ વિકેટે હરાવીને ટાઇટલ કબજે કર્યું છે. આ પરિણામે ભારતીય ચાહકોને ઘણા નિરાશ કર્યા છે. ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડે દરેક વિભાગમાં કોહલી સેનાને માત આપી. બેટિંગ અને બોલિંગની સાથે ટીમ ઇન્ડિયાના ફીલ્ડરોએ પણ નિરાશ કર્યા. ચોથી ઇનિંગમાં વિલિયમ્સન અને ટેલરના સહેલા કેચ છોડવા ભારે પડયા હતા ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં સૌથી સફળ ટીમ હોવાથી તે ટાઇટલની મુખ્ય દાવેદાર ગણાતી હતી. તેણે ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં હરાવ્યું હતું, તેમ છતાં ન્યૂઝીલેન્ડની સામે ફાઇનલ મેચમાં ટકી શક્યા નહીં.
ફાઇનલમાં વિલિયમ્સનની ગંભીરતા કોહલીની આક્રમકતા પર ભારે પડી. વિલિયમ્સનની પાસે હંમેશા પ્લાન બી જોવા મળ્યો. પહેલી ઇનિંગમાં ભારતે સારી શરૂઆત કરી. વિલિયમ્સને વેગનરને લેગ સાઇડમાં એટેક કરાવ્યો. પહેલી ઇનિંગમાં ૪૯ અને બીજી ઇનિંગમાં અડધી સદી ફટકારી. બેટથી નિષ્ફળ રહેનાર કોહલી ન્યુઝીલેન્ડની ઇનિંગને અંકુશમાં રાખી શક્યો નહીં. બેટિંગની વાત કરીએ તો, રોહિત-ગિલે પહેલી ઇનિંગમાં સારી શરૂઆત અપાવી, પણ બીજી ઇનિંગમાં ખાસ કરી શક્યા નહીં. ગિલને ફુટવર્ક પર કામ કરવાની જરૂરિયાત હોવાનું સ્પષ્ટ જણાયું. મધ્યમ ક્રમમાં પુજારા, કોહલી, રહાણે નિષ્ફળ રહ્યા. કીવીના ઓપનરે પહેલી ઇનિંગમાં સારી રમત દેખાડી હતી. ટેલર બીજી ઇનિંગમાં અણનમ રહ્યો. ૬ વિકેટે ૧૬૨થી ટીમને ૨૪૯ સુધી પહોંચવામાં સફળ રહ્યો. કીવીના બોલર્સ ભારતીય બેટ્સમેન પર ભારે પડ્યા હતા. ભારતના બેટ્સમેનો પાસે જેમિસન, સાઉથી, બોલ્ટ, વેગનર જેવા બોલર્સનો જવાબ ન હતો. બીજી તરફ ભારતના મુખ્ય બોલર બુમરાહને સફળતા જ ન મળી, જે મોટુ અંતર સાબિત થાય છે. જાડેજાને બોલિંગમાં વધુ તક ન મળી અને બેટિંગમાં તે કંઇ ખાસ કરી ન શક્યો. અશ્વિને તક મળતા સફળતા મેળવી હતી.
ત્રણ મેચની સીરિઝથી વિજેતાનો નિર્ણય કરોઃ કોહલી
​​​​​​​ભારતીય સુકાની વિરાટ કોહલીએ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર્યા બાદ આઈસીસીના નિયમ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. તેનું કહેવું છે કે એક મેચથી સર્વશ્રેષ્ઠ ટીમનો નિર્ણય ન થઇ શકે. તેના માટે ઓછામાં ઓછી ત્રણ મેચની સીરિઝ થવી જોઇએ. ૩ ટેસ્ટની સીરિઝમાં બે ટીમને ભૂલો સુધારવાની તક મળે છે. ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડ રવાના થતા પહેલા કોચ રવિ શાસ્ત્રીએ પણ આવું જ કહ્યું હતું.
કોહલી-પૂજારા જલદી આઉટ થયા તે ભારે પડ્યુંઃ સચિન
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતના ખરાબ પ્રદર્શનથી ન્યૂઝીલેન્ડ સામે કારમી હારના પગલે સોશિયલ મીડિયામાં ચોહકોએ ટીમ ઇન્ડિયાની ઝાટકણી કાઢી છે ત્યારે ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે ટીમ ઇન્ડિયાની હાર પાછળનું કારણ જણાવ્યું હતું. સચિન તેંડુલકરે કહ્યુ કે, ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલી અને ત્રીજા ક્રમના બેટ્સમેન ચેતેશ્વર પુજારાની વિકેટ બે ઓવરના અંતરમાં પડવાથી ભારતે હારનો સામનો કરવો પડ્યો છે. ટેસ્ટ અને વનડેમાં સૌથી વધુ રન બનાવનાર પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે કહ્યું કે, બ્લેકકેપના નામથી જાણીતી ન્યૂઝીલેન્ડની ટીમે ઘણું શાનદાર પ્રદર્શન કર્યું.
સચિને ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરી, વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવા માટે બ્લેક કેપ્સને શુભેચ્છા. તે ઘણી સારી ટીમ છે. સચિને વધુમાં કહ્યું, ટીમ ઈન્ડિયા પોતાના પ્રદર્શનથી નારાજ હશે. જેમ મેં ઉલ્લેખ કર્યો હતો કે પ્રથમ ૧૦ ઓવર મહત્વપૂર્ણ હશે અને ભારતે કોહલી અને પુજારા બન્નેને માત્ર ૧૦ બોલમાં જ વિકેટ ગુમાવી દીધી હતી. તેનાથી ટીમ પર વધુ દબાવ આવી ગયો હતો. મહત્વનું છે કે કોહલી અને પુજારા બન્ને કાઇલ જેમીસનનો શિકાર બન્યા હતા. તેને છઠ્ઠા દિવસે પણ પિચમાંથી મદદ મળી, જે રિઝર્વ ડે હતો. તેણે ૩૫મી ઓવરના પાંચમાં બોલ પર કોહલી અને ૩૭મી ઓવરના ત્રીજા બોલ પર પુજારાને આઉટ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter