અને આકરી મહેનતે હર્ષલ પટેલના નસીબ આડેથી પાંદડુ હટાવ્યું

Sunday 20th February 2022 05:53 EST
 
 

બેંગ્લૂરુઃ આઇપીએલ ૨૦૨૨ની હરાજીમાં હર્ષલ પટેલને રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર (આરસીબી)એ ૧૦.૭૫ કરોડમાં રૂપિયામાં ખરીદીને પોતાની સાથે ફરી સામેલ કર્યો છે. આ પહેલા આરસીબીએ તેને રિટેન કર્યો ન હતો, પરંતુ હવે પાંચ ગણી રકમ ચૂકવીને તેને ફરીથી પોતાની સાથે સામેલ કર્યો છે. હર્ષલ પટેલ ૨૦૨૧માં આઇપીએલ સિઝનમાં ૩૨ વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બન્યો હતો.
હર્ષલ પટેલને આઇપીએલમાં આરસીબીએ
રૂ. ૧૦.૭૫ કરોડમાં ખરીદ્યો હોય, પરંતુ ચાર વર્ષ પહેલા આઇપીએલમાં તેને અપમાનના ઘુંટડા પણ પીવા પડ્યા હતા. ૨૦૧૮ની આઇપીએલ હરાજી દરમિયાન પટેલને ખરીદવામાં કોઈ ટીમે રસ દાખવ્યો ન હતો. આખરે તેને દિલ્હી કેપિટલ્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. જ્યારે, આઇપીએલ ૨૦૨૨ની હરાજી દરમિયાન તેને ખરીદવા માટે ત્રણ ટીમો વચ્ચે સ્પર્ધા જામી હતી. પહેલા આરસીબીએ તેના પર દાવ લગાવ્યો. ત્યારબાદ ચેન્નઈ સુપર કિંગ્સે તેના પર દાવ લગાવ્યો હતો. આમ રૂ. બે કરોડની બેઝ પ્રાઈસથી તેની બોલી તરત જ રૂ. ૪ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ, પરંતુ જ્યારે આરસીબીએ ૪.૪૦ કરોડનો દાવ લગાવ્યો ત્યારે સીએસકે તેને ખરીદવાનો વિચાર માંડી વાળ્યો. આ પછી સનરાઇઝર્સ હૈદરાબાદે તેને ખરીદવા માટે બોલી લગાવવાનું શરૂ કર્યું અને બેંગ્લૂરુ અને હૈદરાબાદ પછી બોલી લાંબી ચાલી અને રૂ. ૧૦ કરોડ સુધી પહોંચી ગઈ અને હૈદરાબાદ પાછું હટી ગયું અને બેંગલુરુએ તેને રૂ. ૧૦.૭૫ કરોડમાં ખરીદ્યો હતો.
ગુજરાત છોડી હરિયાણા ગયો
ગુજરાતમાં જન્મેલો હર્ષલ પટેલ ૨૦૧૦માં અંડર-૧૯ વર્લ્ડ કપમાં પણ રમી ચૂક્યો છે. ૨૦૦૯માં તેની ગુજરાત માટે ‘એ’ લિસ્ટ મેચો માટે પસંદગી કરવામાં આવી હતી. તેને બે વર્ષમાં જ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તેણે ૨૦૧૧માં ગુજરાત છોડીને હરિયાણા માટે રમવાનું નક્કી કર્યું. ત્યારથી તે હરિયાણા તરફથી સ્થાનિક સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છે. તેના માતા-પિતા વિદેશમાં રહે છે. હર્ષલ પટેલને અનિરુદ્ધ ચૌધરી હરિયાણા લઈ આવ્યા હતા, જેઓ તે સમયે હરિયાણા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ હતા. તેણે અંડર-૧૯માં હર્ષલને બોલિંગ કરતા જોયો હતો. એમને મીડિયમ ઝડપી બોલરની શોધ હતી, પછી પટેલને ટ્રાયલ માટે બોલાવવામાં આવ્યો હતો. તેનાથી તમામ કોચ પ્રભાવિત થયા હતા. ત્યારથી તે હરિયાણા તરફથી રમે છે અને હરિયાણામાં રહીને જ પ્રેક્ટિસ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter