હરારેઃ અફઘાનિસ્તાનના યુવા સ્પિનર રશીદ ખાન માટે વીતેલું સપ્તાહ આજીવન અવિસ્મરણીય બની રહેશે. આ લેગ સ્પિનરે વિશ્વને સ્તબ્ધ કરીને સાત દિવસમાં ત્રણ રેકોર્ડ નોંધાવ્યા છે. ૧૯ વર્ષીય રશીદ હવે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિશ્વનો સૌથી યુવા કેપ્ટન બન્યો છે. રશીદને અનફિટ અસગર સ્ટેનિકઝાઈના સ્થાને વર્લ્ડ કપ ક્વોલિફાયર ટૂર્નામેન્ટ માટે અફઘાન ટીમનો કેપ્ટન બનાવાયો છે. સ્ટેનિકઝાઈ બીમારીના કારણસર હાલ ટીમમાં નથી. આ દરમિયાન રશીદ ટીમનું નેતૃત્વ કરશે. બે પ્રેક્ટિસ મેચ બાદ ચોથી માર્ચે રમાયેલી વર્લ્ડ કપ ક્લોલિફાયરમાં અફઘાનિસ્તાનનો મુકાબલો સ્કોટલેન્ડ સામે થયો હતો અને આ દિવસે રશીદની વય ૧૯ વર્ષ ૧૬૫ દિવસની હતી. અત્યાર સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી યુવા કેપ્ટન હોવાનો રેકોર્ડ રાજિન સાલેહના નામે હતો, જેણે ૨૦ વર્ષ ૨૯૭ દિવસની વયે બાંગ્લાદેશનું નેતૃત્વ કર્યું હતું.
રશીદ આ અગાઉ ૨૦ ફેબ્રુઆરીએ આઈસીસી વન-ડે રેન્કિંમાં નંબર-૧ બનનાર વિશ્વનો સૌથી યુવા બોલર બન્યો હતો. તેણે ૧૯ વર્ષ ૧૫૨ દિવસની વયે આ સિદ્ધિ હાંસલ કરી પાકિસ્તાનના સકલૈન મુશ્તાકના રેકોર્ડને તોડ્યો હતો. રશીદે કુલ ૭૦૯૨ દિવસની વયે આ સિદ્ધિ મેળવી હતી. ૧૯૯૮માં સકલૈન જ્યારે નંબર-૧ બન્યો હતો ત્યારે તેની વય ૭૬૮૩ દિવસની હતી. તાજેતરમાં જ રશીદ આઇસીસી ટ્વેન્ટી રેન્કિંગમાં પણ ટોચના ક્રમે પહોંચ્યો હતો. ટ્વેન્ટીમાં પણ આ સિદ્ધિ હાંસલ કરનાર તે સૌથી યુવા બોલર બન્યો હતો.