અમદાવાદઃ શહેરના મોટેરા સ્ટેડિયમ તરીકે જાણતા સરદાર પટેલ સ્ટેડિયમના નવનિર્માણકાર્યનો શુક્રવારથી પ્રારંભ થયો છે. આ જ સ્થળે બે વર્ષમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ જેવું અત્યાધુનિક સ્ટેડિયમ આકાર લેશે.
શુક્રવારે સ્ટેડિયમનું ડિમોલીશન કાર્ય શરૂ થયું તે પૂર્વે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી, જોઇન્ટ સેક્રેટરી જય શાહ સહિત અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં નવા સ્ટેડિયમની નવી ડિઝાઈન તથા નિર્માણના પ્લાન અને એસ્ટીમેટને જીસીએની એક્ઝિક્યુટિવ કમિટિ દ્વારા સર્વાનુમતે મંજૂર કરાયા હતા. ડિમોલીશન કાર્ય શરૂ કરતાં પહેલાં પૂજાનું પણ આયોજન થયું હતું.
હાલમાં આ સ્ટેડિયમ છ પેવેલિયન સાથે ૫૦ હજાર પ્રેક્ષકો બેસી શકે તેવી ક્ષમતા ધરાવતું હતું, જે ક્ષમતા નવા સ્ટેડિયમમાં વધારીને એક લાખ જેટલી કરવામાં આવશે. જીસીએના વાઇસ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ જણાવ્યું હતં કે, સ્ટેડિયમનું ડિમોલીશન કાર્ય પૂરું થતાં ચાર મહિના લાગશે જ્યારે તેનું નવા સ્ટેડિયમનું બાંધકામ પૂરું થતાં બે વર્ષ જેટલો સમય લાગશે.
જીસીએના જોઇન્ટ સેક્રેટરી જય શાહે રૂપરેખા આપી હતી કે નવા સ્ટેડિયમમાં એસી બોક્સ, હોસ્પિટાલિટી એરિયા અને પાર્કિંગની સગવડ વધારવામાં આવશે. જીસીએના સેક્રેટરી રાજેશ પટેલ અને ટ્રેઝરર ધીરજ જોગાણીએ મોટેરા સ્ટેડિયમના સીમાચિહનોની ઝલક રજૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ સ્ટેડિયમમાં સુનિલ ગાવસ્કરથી માંડીને સચીન તેંડુલકર સહિતના ખેલાડીઓએ વિક્રમો નોંધાવ્યા છે. સમગ્ર મોટેરા સ્ટેડિયમ ૬૩ એકર ભૂમિમાં પથરાયેલું છે.