બેંગ્લૂરુ: યુવા ફાસ્ટ બોલર અવેશ ખાન આઈપીએલની હરાજીમાં સૌથી મોંઘો અનકેપ્ડ પ્લેયર બન્યો હતો. ધારદાર બોલિંગ માટે જાણીતા અવેશની બેઝપ્રાઈઝ રૂ. ૨૦ લાખ નક્કી કરાઈ હતી. જોકે, ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે આ ફાસ્ટ બોલરને કરારબદ્ધ કરવાની એટલો જોરદાર જંગ જામ્યો કે તેને આખરે રૂ. ૧૦ કરોડનો કરાર મળ્યો હતો. ચેન્નઈ, મુંબઈ અને લખનઉએ તેના માટે બોલી લગાવી હતી. ભારતના યુવા ફાસ્ટ બોલર અવેશ ખાન માટેની બોલી જોતજોતામાં રૂ. ૧૦ કરોડે પહોંચી ગઈ હતી. મુંબઈ અને ચેન્નઈની ટીમે શરૂઆતમાં રસ દાખવ્યો હતો. જેના કારણે બોલી ૮ કરોડે પહોંચી ગઈ હતી. જ્યારે લખનઉએ ૯ કરોડની બોલી લગાવી ત્યારે હૈદરાબાદ ૯.૭૫ કરોડ સાથે રેસમાં ઉતર્યું હતું. આખરે લખનઉએ રૂ. ૧૦ કરોડમાં તેને કરારબદ્ધ કર્યો હતો.