આઇપીએલ-15નો તખતો તૈયારઃ 10 ટીમ મુંબઇ - પૂણેમાં 70 લીગ મેચ રમશે

Wednesday 02nd March 2022 06:46 EST
 
 

મુંબઈઃ ઝમકદાર ટી20 ક્રિકેટ લીગ આઇપીએલ માટે તખતો તૈયાર થઇ ગયો છે. 26 માર્ચથી શરૂ થઇ રહેલી આ ટૂર્નામેન્ટની 15મી સિઝન માટે માટે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે માટે ઘણા નિર્ણય લીધા છે, જેમાં મુંબઈ અને પૂણેના કુલ ચાર સ્ટેડિયમમાં 70 લીગ મેચ રમાડવામાં આવશે.
ફોર્મેટ એવું રચાયું છે કે 10 ટીમો કુલ 14-14 લીગ મેચ રમશે. તમામ ટીમો પાંચ ટીમો સામે બે-બે મેચ રમશે અને બાકીની ચાર ટીમો સામે એક-એક મેચ રમશે. તમામ 10 ટીમોને બે ગ્રૂપમાં રાખવામાં આવી છે અને તેનો નિર્ણય આઇપીએલના ટાઇટલ જીતવાના આધારે લેવામાં આવ્યો છે. 15મી સિઝન બાયો બબલમાં રમાશે જેના કારણે ખેલાડીઓ એરપોર્ટથી દૂર રહેશે.
પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને આ વખતે પોતાના હોમગ્રાઉન્ડમાં રમવાનો ફાયદો મળશે નહીં. મુંબઈની ટીમ પોતાની હોમ મેચો પૂણેમાં રમશે. માનવામાં આવી રહ્યું છે કે કેટલીક ફ્રેન્ચાઈઝીએ મુંબઈને તેના હોમગ્રાઉન્ડમાં રમવા દેવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
આઇપીએલના એક અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈ પોતાના ઘરઆંગણે નહીં પરંતુ પૂણેમાં રમશે. અમે તમામ ટીમોને સમાન તક આપવા માગીએ છીએ. તમામ ટીમો વાનખેડે અને ડી.વાય. પાટિલ ખાતે ચાર-ચાર મેચ બ્રેબોર્ન અને એમસીએ સ્ટેડિયમ-પૂણે ખાતે ત્રણ-ત્રણ મેચ રમશે.
અમદાવાદના મોદી સ્ટેડિયમમાં પ્લે ઓફ મેચ રમાશે?
આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલની મિટિંગમાં લેવાયેલા નિર્ણય અનુસાર, આઇપીએલની આ સિઝનમાં પ્રેક્ષકોને પણ મર્યાદિત સંખ્યામાં સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. આઇપીએલના અધિકારીએ જણાવ્યું છે કે, અમે મહારાષ્ટ્ર સરકારની સાથે વાતચીત કર્યા બાદ સ્ટેડિયમની ક્ષમતાના 25 કે 50 ટકા જેટલા પ્રેક્ષકોને એન્ટ્રી આપવા માટે વિનંતી કરીશું.
આઇપીએલનું સમાપન તારીખ 29મી મેના રોજ થશે. ફાઈનલ તેમજ અન્ય પ્લે ઓફની મેચોની યજમાની મેળવવાની રેસમાં અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સૌથી આગળ મનાય છે. જોકે આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલની મિટિંગમાં પ્લે ઓફ અંગે કોઈ નિર્ણય લેવાયો નહતો. આઇપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે કહ્યું હતુ કે, અમે આ અંગેનો નિર્ણય હવે પછી લઈશું. આઇપીએલનો સંપૂર્ણ કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરી દેવામાં આવશે.

કયા ગ્રૂપમાં કઈ ટીમ છે?
ગ્રૂપ એઃ મુંબઈ, કોલકાતા, રાજસ્થાન, દિલ્હી, લખનઉ
ગ્રૂપ બીઃ ચેન્નઈ, હૈદરાબાદ, બેંગ્લોર, પંજાબ, ગુજરાત


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter