નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની દ્વારા દાખલ કરાયેલ અવમાનનાના એક કેસમાં મદ્રાસ હાઈ કોર્ટે એક નિવૃત્ત આઈપીએસ અધિકારી જી. સંપત કુમારને 15 દિવસની જેલની સજા કરી હતી. જોકે કોર્ટે આ સજા 30 દિવસ માટે સ્થગિત કરી હતી જેથી તેઓ હાઈ કોર્ટના ચુકાદા સામે અપીલ કરી શકે. તમિળનાડુ પોલીસમાં સીઆઈડી અધિકારી તરીકે ફરજ બજાવતા સંપત કુમારે 2013માં આઈપીએલમાં સટ્ટાકાંડની શરૂઆતની તપાસ હાથ ધરી હતી. જેમાં તેમણે ધોની પર આરોપ મૂક્યાં હતાં. જેને પગલે આઈપીએલ ફ્રેન્ચાઈઝી ચેન્નઈ સુપર કિંગ્સના કપ્તાન ધોનીએ સંપત કુમાર તથા એક ટેલિવિઝન ચેનલ વિરુદ્ધ 2014માં રૂ. 100 કરોડનો બદનક્ષીનો દાવો માંડ્યો હતો. ધોનીએ સંપત કુમાર વિરુદ્ધ અવમાનનાનો પણ કેસ દાખલ કર્યો હતો. જોકે પાછળથી સંપત કુમાર વિરુદ્ધ સટ્ટાકાંડમાં સંડોવાયેલા લોકોને છોડી મુકવા માટે લાંચ લેવાના આક્ષેપો થતાં તેમને આ કેસમાંથી હટાવી દેવાયા હતાં.