મુંબઇઃ વિશ્વની સૌથી મોટી ટી20 લીગ આઈપીએલનો પ્રારંભ આવતા શનિવાર 22 માર્ચથી પ્રારંભ થઇ રહ્યો છે. પ્રથમ મુકાબલો ઈડન ગાર્ડન્સ પર ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ વચ્ચે રમાશે.
આઈપીએલની 18મી સિઝન ઘણાં અર્થમાં અલગ હશે. જેમ કે, સિઝનમાં 10માંથી 5 ટીમ પાસે નવા કેપ્ટન છે. ગત વખતે રિષભ પંત દિલ્હીની ટીમનો કેપ્ટન હતો, જોકે આ વખતે તેને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે ખરીદ્યો છે અને પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો છે. ગુજરાત ટાઈટન્સની માલિકીમાં પણ ફેરફાર થયો છે અને ટીમને ટોરેન્ટ ગ્રૂપ તરીકે નવા માલિક મળ્યા છે. હવે જૂના માલિક સીવીસી પાસે 33 ટકા જ ભાગીદારી રહેશે. વળી, આ વખતે ટીમો ખેલાડીઓને સિઝનની વચ્ચે જ રિપ્લેસ કરી શકશે. હવે આઈપીએલ શરૂ થવામાં ગણતરીના દિવસ બાકી છે ત્યારે જાણીએ કે આ વખતે શું બદલાઈ રહ્યું છે....
10 માંથી 9 કેપ્ટન ભારતીય
આ સિઝન માટે હરાજીમાં 5 ટીમોએ પોતાના કેપ્ટન્સને રિલીઝ કર્યા હતા. સ્પષ્ટ હતું કે, ટીમો નવા કેપ્ટનને સાથે જોડવા માગતી હતી. આ વખતે લીગમાં 5 નવા કેપ્ટન જોવા મળશે. દિલ્હીએ અક્ષર પટેલ, કોલકાતાએ અજિંક્ય રહાણે, લખનઉંએ રિષભ પંત, પંજાબે શ્રેયસ અય્યર અને બેંગ્લૂરુએ રજત પાટીદારને કેપ્ટન્સી સોંપી છે. આ ઉપરાંત ચેન્નાઈનો ઋતુરાજ, મુંબઈનો હાર્દિક, ગુજરાતનો શુભમન અને રાજસ્થાનનો કેપ્ટન સેમસન છે. માત્ર હૈદરાબાદની કેપ્ટન્સી પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા) પાસે છે. 2019 બાદ પ્રથમવાર માત્ર એક ટીમની કમાન કોઈ વિદેશીના હાથમાં છે.
અક્ષર પટેલઃ 2019થી દિલ્હી સાથે
લેફ્ટ આર્મ સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર દિલ્હી સાથે 2019થી જોડાયેલો છે. ટીમે તેને 16.50 કરોડમાં રિટેન કર્યો હતો. તે આ વર્ષે જાન્યુઆરીમાં ભારતીય ટી20 ટીમનો વાઈસ કેપ્ટન પણ બન્યો છે. 31 વર્ષીય અક્ષરે 23 મેચમાં ગુજરાત ક્રિકેટ ટીમની પણ કેપ્ટન્સી કરી છે.
અજિંક્ય રહાણેઃ 6 ટીમ માટે રમ્યો
રહાણે આઈપીએલની પ્રથમ સિઝનથી લીગનો ભાગ છે. તેણે 6 ફ્રેન્ચાઈઝ તરફથી 185 મેચ રમી છે. તેણે 25 મેચમાં કેપ્ટન્સી પણ કરી છે. તે કોલકાતાનો નવમો કેપ્ટન છે. રહાણે ટીમ ઈન્ડિયા અને ડોમેસ્ટિકમાં મુંબઈનું નેતૃત્ત્વ કરી ચૂક્યો છે. 36 વર્ષીય રહાણે વર્તમાન સિઝનમાં સૌથી ઉમરલાયક કેપ્ટન પણ છે. સૌથી યુવા કેપ્ટન ગુજરાતનો શુભમન ગિલ (25) છે.
રિષભ પંતઃ સૌથી મોંઘો કેપ્ટન
લખનઉએ 27 કરોડમાં પંતને ટીમમાં સામેલ કર્યો. તે ટીમનો બીજો કેપ્ટન છે અને તે લીગ ઈતિહાસમાં સૌથી મોંઘો કેપ્ટન પણ છે. તે 2021 થી 2024 સુધી દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન પણ હતો. તેની કેપ્ટન્સીમાં દિલ્હીએ 43 મેચમાંથી 23માં જીત મેળવી હતી.
શ્રેયસ અય્યર: પંજાબનો 17મો કેપ્ટન
30 વર્ષીય શ્રેયસ અય્યર પંજાબ કિંગ્સનો 17મો કેપ્ટન છે. કેકેઆરને ગત વર્ષે ટાઈટલ જીતાડનાર શ્રેયસને પંજાબે 26.75 કરોડમાં ખરીદ્યો હતો. શ્રેયસ દિલ્હીનો પણ કેપ્ટન રહી ચૂક્યો છે. તેણે આઈપીએલમાં જુદી-જુદી ટીમો માટે 70 મેચમાં કેપ્ટન્સી કરી છે ને 38 જીતી છે.
રજત પાટીદાર: પ્રથમવાર કેપ્ટન્સી
આ બેટર પ્રથમવાર આઈપીએલમાં કેપ્ટન્સી કરતો જોવા મળશે. તેણે પોતાની કેપ્ટન્સીમાં મધ્ય પ્રદેશને સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફીની ફાઈનલમાં પહોંચાડી હતી. રજત આરસીબીનો આઠમો કેપ્ટન છે.