મુંબઈઃ ફ્રેન્ચાઈઝીઓને મોકલાયેલા કાર્યક્રમને આધારે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે કે પહેલાં માત્ર લીગ મેચોનો કાર્યક્રમ જાહેર થાય તેવી શક્યતા છે.
બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલની મિટિંગ ટૂંક સમયમાં યોજાવાની છે. જેમાં ઘરઆંગણાના ક્રિકેટ કેલેન્ડરને મંજૂર આપવાની સાથે સાથે એથિક્સ ઓફિસરની નિયુક્તિનો મામલો પણ એજન્ડામાં છે. મિટિંગ બાદ આઈપીએલના સત્તાવાર કાર્યક્રમની જાહેરાત થશે તેમ મનાય છે.
આઈપીએલ-૨૦૨૦ની ફાઈનલ મેચ ૨૪ મેના રોજ રમાશે તે નક્કી છે. જ્યારે ૧૭મી મેના રોજ આખરી લીગ મેચ બેંગ્લોર અને મુંબઈ વચ્ચે બેંગલૂરુમાં રમાશે.
અત્યાર સુધી આઈપીએલમાં દર શન-રવિ બે-બે મેચો રમાતી. જોકે નવા કાર્યક્રમમાં શનિવારે એકમાત્ર મેચ રાત્રે ૮ વાગ્યાથી રમાશે. જ્યારે રવિવારે એક મેચ સાંજે ૪-૦૦ વાગ્યાથી જ્યારે બીજી મેચ રાત્રે ૮-૦૦ વાગ્યાથી રમાશે તેવી ગોઠવણી કરવામાં આવી હોવાનું મનાય છે.
રાજસ્થાન રોયલ્સ તેની સિઝનની પ્રથમ મેચ બીજી એપ્રિલે ચેન્નાઈમાં રમાડશે. જ્યારે તેના સેકન્ડ હોમ વેન્યુ તરીકે ગુવાહાટી રહેશે. જોકે રાજસ્થાન ફ્રેન્ચાઈઝીએ તેના બીજા હોમ ગ્રાઉન્ડ તરીકે ગુવાહાટીની પસંદગી કરતાં જયપુરના ગ્રાઉન્ડનું સંચાલન કરતાં રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના ઓફિસિયલ્સે તેમની સામે કોર્ટનું શરણું સ્વીકાર્યું છે.