નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન-૧૩નો કાર્યક્રમ જારી કર્યો છે. ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થનારી આઇપીએલ ટૂર્નામેન્ટમાં ૧૦ નવેમ્બર સુધી ફાઇનલ સહિત કુલ ૬૦ મેચ રમાશે. પહેલી મેચ ૧૯ સપ્ટેમ્બરના રોજ મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે અબુધાબીમાં રમાશે.
આઇપીએલની તમામ મેચ ત્રણ સ્થળ - દુબઇ, અબુધાબી અને શારજાહમાં રમાશે. જ્યારે ભારતમાં આઇપીએલ ટૂર્નામેન્ટ આઠ સ્થળે રમાતી હતી. ફક્ત ત્રણ સ્થળે મેચ આયોજિત થવાના કારણે આઇપીએલમાં ભ્રષ્ટાચાર અને મેચ ફિક્સિંગ પર નજર રાખવાનું સરળ બનશે તેમ બીસીસીઆઇના એન્ટિ કરપ્શન યુનિટના વડા અજિતસિંહે જણાવ્યું હતું. કાર્યક્રમ પ્રમાણે દુબઇમાં ૨૪, અબુધાબીમાં ૨૦ અને શારજાહમાં ૧૨ મેચ રમાશે. આઇપીએલ-૧૩ની ફાઇનલ મેચ ૧૦ નવેમ્બરના મંગળવારે યોજાશે. આમ આઇપીએલના ઇતિહાસમાં પહેલીવાર રવિવારે ફાઇનલ મેચ નહીં યોજાય.
ટૂર્નામેન્ટમાં ૧૦ ડબલ હેટર એટલે કે એક દિવસમાં ૨-૨ મેચ રમાશે. સાંજે રમાનારી મેચ જૂના શિડયુઅલ કરતાં અડધા કલાક વહેલા - સાંજના ૭.૩૦ કલાકે અને બપોરે શરૂ થનારી મેચ ૩.૩૦ કલાકે શરૂ થશે. પ્લે ઓફ અને ફાઇનલના સ્થળ હવે પછી જાહેર કરાશે. આઇપીએલના ઇતિહાસનો આ સૌથી લાંબો ૫૩ દિવસનો કાર્યક્રમ છે.
ખાલી ખુરશી, ખાલી સ્ટેડિયમ
આઇપીએલના ઇતિહાસમાં પહેલી વાર ખાલી સ્ટેડિયમમાં ટૂર્નામેન્ટ યોજાશે. તેની સીધી અસર ખેલાડીઓ પર પણ વર્તાશે. આઇપીએલમાં આરસીબીના કોચ કેટિચે જણાવ્યું હતું કે, ખાલી સ્ટેડિયમને યુવા ખેલાડીઓ મેચને સારી રીતે એન્જોય કરી શક્શે કારણ કે તેમને દર્શકોના કોઇ પણ પ્રકારના દબાણ વગર રમવા મળશે, પરંતુ સિનિયર ખેલાડીઓને આ વાતાવરણ માફક નહીં આવે. સિનિયર ખેલાડીઓને ભરચક સ્ટેડિયમ વચ્ચે દર્શકોના જોશમાં રમવાની આદત છે.
ઇંગ્લેન્ડ - ઓસ્ટ્રેલિયાના ખેલાડી મોડા પહોંચશે
આઇપીએલમાં ઓસ્ટ્રેલિયાના ૧૭ અને ઇંગ્લેન્ડના ૧૩ ખેલાડી સામેલ છે પરંતુ તેઓ પ્રારંભિક મેચોમાં રમશે કે કેમ તે પર સસ્પેન્સ છે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી શ્રેણીની ત્રીજી અને અંતિમ વન-ડે મેચ ૧૬ સપ્ટેમ્બરે રોજ માન્ચેસ્ટરમાં યોજાશે, ત્યારબાદ ખેલાડીઓ દુબઇ માટે રવાના થશે. યુએઇ પહોંચ્યા બાદ તેમના કોરોના ટેસ્ટ થશે. જો તેમના ટેસ્ટ નેગેટિવ આવશે તો જ તેઓ આઇસોલેશન ઝોનમાંથી બહાર આવી શકશે. આમ તેઓ બીજા સપ્તાહથી આઇપીએલમાં સામેલ થાય તેવી સંભાવના છે.
આઇપીએલ પર કોરોનાની અસર
• દર્શકો વિના બાયોસિક્યોર સ્ટેડિયમમાં ટૂર્નામેન્ટનું આયોજન • દર પાંચમા દિવસે ખેલાડી અને સ્ટાફના કોરોના ટેસ્ટ કરાશે
• દરેક ટીમ અનલિમિટેડ કોરોના સબસ્ટિટયૂટ રાખી શકશે