નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને સુપ્રીમ કોર્ટની કમિટી વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી કમિટીની સાથે અનેક રાજ્યોના ક્રિકેટ બોર્ડને પણ કામ કરવામાં મુશ્કેલી થઇ રહી છે. આ મુશ્કેલીઓ અને વિવાદોની અસર આઈપીએલની ૧૦મી સિઝનને થાય તેમ છે.
બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી સમિતિ અને રાજ્યના ક્રિકેટ બોર્ડ વચ્ચેની તકરાર વધી રહી છે. આ તકરારના કારણે જ આઈપીએલની આગામી સિઝનનું આયોજન ખોરંભે ચડે તેમ છે. બોર્ડના એક અધિકારીએ જણાવ્યું કે, આ વખતે એસોસિયેશન્સને મળનારું ફંડ જારી થશે કે કેમ તે અંગે શંકા છે. એસોસિયેશન્સ માટે ફંડ જારી નહીં કરવામાં આવે તો આઈપીએલની આગામી સિઝનનું આયોજન થશે નહીં. આથી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને રૂ. ૨૫૦૦ કરોડનું નુકસાન જાય તેમ છે.
મીડિયા અહેવાલો પ્રમાણે દરેક ક્રિકેટ એસોસિયેશનને આઈપીએલના એક મેચ દીઠ ૬૦ લાખ રૂપિયા મળે છે. આ રકમમાંથી ૩૦ લાખ બીસીસીઆઈ દ્વારા અને ૩૦ લાખ ફ્રેન્ચાઈઝી દ્વારા આપવામાં આવે છે. આ રકમનો ઉપયોગ મેચ, પ્રેક્ટિસ, લાઈટિંગ અને ગ્રાઉન્ડ સ્ટાફ પાછળ ખર્ચ કરાય છે. છેલ્લાં કેટલાક વર્ષોથી આ ટૂર્નામેન્ટ માટે બોર્ડ પાસેથી એસોસિયેશન્સને એડવાન્સ અને બેલેન્સ પેમેન્ટ મળતા હતા. આ વખતે સ્થિતિ પહેલાં જેવી નથી. એસોસિયેસન્શને હજી સુધી કોઈ ભંડોળ જારી કરવામાં આવ્યું નથી. આ કારણે જ બીસીસીઆઈને નુકસાન થાય તેવી પૂરતી શક્યતા છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા ગત વર્ષે જ જાહેરાત કરાઇ હતી કે, ક્રિકેટ એસોસિયેશન્સ દ્વારા લોઢા પેનલે સૂચવેલી તમામ બાબતોનો અમલ નહીં કરવાં આવે ત્યાં સુધી તેમને કોઈ ભંડોળ જારી કરાશે નહીં. આ દરમિયાન ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ, વન-ડે અને ટી-૨૦ સિરીઝ દરમિયાન સ્ટેટ એસોસિયેશન દ્વારા જાહેર કરાયું હતું કે તેઓ ખર્ચ ઉપાડવા અસમર્થ છે. આથી સુપ્રીમ કોર્ટે ફંડ રિલીઝ કરવાની પરવાનગી આપી હતી. હવે આઈપીએલ રમાવાની છે ત્યારે આવી શક્યતાઓ જણાતી નથી અને આયોજન ખોરંભે પડે તેમ લાગે છે.