કોલકતાઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની ટી૨૦ લીગ આઇપીએલની ૧૩મી સિઝન માટે કોલકતામાં ગુરુવારે હરાજી યોજાઇ હતી. જેમાં મહત્તમ ૭૩ ખેલાડીઓની બોલી લાગી શકે તેમ હતી. લગભગ પાંચ કલાક ચાલેલી આ હરાજીમાં ૬૨ ખેલાડીઓ વેચાયા હતા અને તેમાં ૩૩ ભારતીય અને ૨૯ વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. ફ્રેન્ચાઇઝી ટીમોએ ખેલાડીઓને ખરીદવા ૧૪૦.૩ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.
ઓસ્ટ્રેલિયાનો પેસ બોલર પેટ કમિન્સ આઇપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો છે. તેને કોલકતા નાઇટ રાઇડર્સે ૧૫.૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઓસ્ટ્રેલિયાના અન્ય ખેલાડી ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને કિંગ્સ ઇલેવન પંજાબે ૧૦.૭૫ કરોડમાં તથા સાઉથ આફ્રિકાના ક્રિસ મોરિસને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ૧૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
૪૮ વર્ષીય પ્રવીણ તામ્બે હરાજીમાં વેચાનાર સૌથી વધુ વયનો ખેલાડી રહ્યો હતો અને તેને કોલકતાની ટીમે ખરીદ્યો હતો. અફઘાનિસ્તાનના ચાઇનામેન યુવા બોલર નૂર એહમદને ખરીદનાર કોઇ ટીમ તૈયાર થઇ નહોતી. વિકેટ ઝડપ્યા બાદ અલગ સ્ટાઇલમાં આર્મી સેલ્યૂટ કરનાર વેસ્ટ ઇન્ડિઝનો પેસ બોલર શેલ્ડન કોટરેલને ખરીદવા માટે ટીમોએ પડાપડી કરી હતી અને આખરે કિંગ્સ ઇલેવન પંજાબે તેને ૮.૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કેરેબિયન ક્રિકેટરને તેની બેઝ પ્રાઇસ કરતાં ૧૭ ગણી વધારે રકમ મળી હતી. ભારતીય ખેલાડીઓમાં લેગ સ્પિનર પીયૂષ ચાવલા સૌથી મોંઘો રહ્યો હતો અને ચેન્નઇ સુપર કિંગ્સે તેને ૬.૭૫ કરોડમાં ખરીદ્યો હતો.