મુંબઈઃ ક્રિકેટવિશ્વમાં આઈપીએલ નામે જાણીતી ઇંડિયન પ્રીમિયર લીગના મીડિયા અધિકારોનું સોમવારે ઓક્શન થયું હતું, જેમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ને લોટરી લાગી છે. બોર્ડની સૌથી સફળ ટૂર્નામેન્ટ આઈપીએલના મીડિયા રાઇટ્સ ખરીદવા ૨૪ કંપનીઓ રેસમાં હતી, જે તમામને પાછળ છોડીને સ્ટાર ઇન્ડિયાએ રૂ. ૧૬,૩૪૭.૫૦ કરોડમાં આગામી પાંચ વર્ષ માટે આઈપીએલના પ્રસારણ હકો ખરીદી લીધા છે. સ્ટાર ઇન્ડિયાએ વૈશ્વિક સ્તરે આઈપીએલના પ્રસારણ અધિકાર માટે સૌથી ઊંચી બોલી લગાવી હતી. આમ હવે આઈપીએલ મેચ દર્શાવવાના તમામ અધિકાર આગામી પાંચ વર્ષ સુધી સ્ટાર ઇન્ડિયા પાસે રહેશે.
આઈપીએલના મીડિયા રાઇટ્સ વેચાયા તે ક્રિકેટ વિશ્વમાં મીડિયા રાઇટ્સની સૌથી મોંઘી ડીલ છે. ઓક્શન અંતર્ગત સ્ટાર ઇન્ડિયા પાસે ટેલિવિઝન ઉપરાંત ઇન્ટરનેટ અને મોબાઇલ ઉપરાંત દેશની બહારના બ્રોડકાસ્ટના અધિકાર પણ રહેશે. આ પહેલાં સોની નેટવર્ક પાસે આઈપીએલના પ્રસારણ અધિકાર હતા. ૨૦૦૯માં સોની ચેનલે પ્રસારણ અધિકારોને ૧.૬૩ બિલિયન ડોલરમાં નવ વર્ષ માટે વર્લ્ડ સ્પોર્ટ્સ ગ્રૂપ પાસેથી ખરીદ્યા હતા. વર્લ્ડ સ્પોર્ટ્સ ગ્રૂપે બીસીસીઆઈ પાસેથી ૧૦ વર્ષ માટે ૯૧૮ મિલિયન ડોલર ખર્ચીને આઈપીએલના પ્રસારણ અધિકાર ખરીદ્યા હતા.
અન્ય લીગ સાથે સરખામણી
સ્ટાર ઇન્ડિયા આઇપીએલના ગ્લોબલ ટેલિવિઝન અને ડિજિટલ રાઇટ્સ માટે ૨.૫૫ બિલિયન યુએસ ડોલર રકમ ચૂકવશે. ભારતીય રૂપિયામાં આ રકમ ૧૬,૩૪૭ કરોડની જેટલી થાય છે. ક્રિકેટ વિશ્વમાં આ સૌથી મોટી ડીલ ગણાય છે. આઇપીએલને મળવાપાત્ર રકમની સરખામણી જ્યારે બીજી લીગ સાથે કરાઇ ત્યારે નિષ્ણાતો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડને ઇંગ્લિશ ક્રિકેટની એક સિઝન માટે ૨૮૭ મિલિયન ડોલર, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને ૧૦૦ મિલિયન ડોલર, ભારતીય ક્રિકેટ માટે બીસીસીઆઇને ૧૨૫ મિલિયન ડોલર અને બિગ બેશ લીગને એક સિઝન માટે ૨૦ મિલિયન ડોલરની રકમ મળે છે જ્યારે આઇપીએલની એક સિઝન માટે સ્ટાર ઇન્ડિયા ૫૦૮ મિલિયન ડોલર ચૂકવશે. આ ઉપરાંત જો તેની સરખામણી ક્રિકેટને બાદ કરતા વિશ્વની અન્ય સ્પોર્ટ્સ લીગ સાથે કરાય તો તેમાં મેચદીઠ મળનારી રકમ મામલે આઇપીએલ ત્રીજા સ્થાને છે.
ફેસબુક પણ ફાવ્યું નહીં
આઈપીએલના ડિજિટલ રાઇટ્સ માટે ફેસબુકે ૩,૯૦૦ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી જે અન્યો હરીફોમાં સૌથી વધુ હતી. બીજા નંબરે એરટેલ હતું જેણે ૩,૨૮૦ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. સ્ટારની ટીવી અને ડિજિટલ અધિકારોની સંયુક્ત બોલી તથા વિવિધ વર્ગની અલગ-અલગ બોલીની કુલ રકમમાં જ ૫૩૭ કરોડ રૂપિયાનો ફરક હતો.
૨૪ કંપનીઓ સ્પર્ધામાં હતી
ઓક્શન પહેલાં દેશ-વિદેશમાંથી કુલ મળીને ૨૪ કંપનીઓએ રસ દાખવ્યો હતો. આ પછી બીસીસીઆઈએ આકરી ચકાસણી કરીને અયોગ્ય હોય તેવી છ કંપનીઓને ઓક્શનમાંથી બાકાત કરી હતી. હરાજીમાં સામેલ યોગ્ય ૧૮ કંપનીઓ પૈકી ૧૪ કંપનીઓએ ભાગ લીધો હતો. છેલ્લે જરૂરી દસ્તાવેજના આધારે જે કંપનીઓને શોર્ટલિસ્ટ કરાઇ હતી તેમાં ભારતમાં બ્રોડકાસ્ટ માટે બે ભારતીય કંપની (સોની પિક્ચર્સ અને સ્ટાર ઇન્ડિયા) અને વિદેશી બ્રોડકાસ્ટ માટે (સુપર સ્પોર્ટ, યપ ટીવી, ઇકોનેટ અને ઓએસએમ)ને સામેલ કરાયા હતા. ડિજિટલના અધિકાર મેળવવાની રેસમાં એરટેલ, રિલાયન્સ જિયો અને ટાઇમ્સ સામેલ હતી. જોકે આ તમામ કંપની કરતાં ૧૬,૩૪૭.૫૦ કરોડ રૂપિયાની બોલી લગાવી સ્ટાર ઇન્ડિયાએ આગામી પાંચ વર્ષ માટે તમામ અધિકારો પર કબજો જમાવ્યો હતો.