નવી દિલ્હી: વિશ્વભરના ક્રિકેટરો પર નાણાંનો વરસાદ કરતી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટી-20 ભારતીય ક્રિકેટ બોર્ડ માટે પણ સોનાના ઈંડા આપતી મરઘી સમાન સાબિત થઈ રહી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની આઈપીએલ પ્રતિ મેચ પ્રસારણ હકના મૂલ્યની રીતે વિશ્વની અન્ય રમતોની ભારે હાઈપ્રોફાઈલ લીગની યાદીમાં પણ ટોપ-ટુમાં સ્થાન ધરાવે છે.
આઇપીએલની એક મેચના પ્રસારણ હકનું મૂલ્ય અધધધ આશરે રૂ. 140 કરોડ (1.68 કરોડ ડોલર) થવા જાય છે તેમ અમેરિકાની નાણાકીય સેવા આપતી કંપની જેફ્રીસના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. આ યાદીમાં ટોચનું સ્થાન અમેરિકાની નેશનલ ફૂટબોલ લીગને મળ્યું છે, જેની એક મેચના પ્રસારણ હકનું મૂલ્ય આશરે 305 કરોડ રૂપિયા (3.68 કરોડ ડોલર) છે. વૈશ્વિક સ્તરે આગવી પ્રતિષ્ઠા ધરાવતા જેફ્રીસના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પ્રતિ મેચ પ્રસારણ હકના મૂલ્યની રીતે જોઈએ તો ભારતની ઈન્ડિયન પ્રીમિયર લીગ ઈંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલ (ઈપીએલ), સ્પેનિશ ફૂટબોલ લીગ - લા લીગા તેમજ જર્મન ફૂટબોલ લીગ- બુન્ડેશ લીગા અને અમેરિકાની નેશનલ બાસ્કેટ બોલ લીગ (એનબીએ) કરતાં તો ખુબ જ આગળ છે.
કમાણીમાં પણ વિશ્વની અન્ય રમતોની ટોચની સ્પોર્ટ્સ લીગમાં પણ એલિટ સ્થાન ધરાવતી આઈપીએલની 17મી સિઝનનો તારીખ 22મી માર્ચથી પ્રારંભ થઇ રહ્યો છે. પ્રથમ મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.