હૈદરાબાદઃ આઇપીએલ ૨૦૧૯ ટૂર્નામેન્ટની આખરી ઓવરના આખરી બોલ સુધી રોમાંચક બની રહેલી ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સે ચેન્નઇ સુપર કિંગ્સને એક રને હરાવીને ચોથી વખત ટ્રોફી કબ્જે કરી હતી. રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ફાઇનલમાં મુંબઇએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ૮ વિકેટે ૧૪૯ રન કર્યા હતા. જવાબમાં ચેન્નઇની ટીમ ૭ વિકેટે ૧૪૮ રન કરી શકી હતી.
મુંબઇ ઇંડિયન્સ છેલ્લા સાત વર્ષમાં ચોથી વખત ચેમ્પિયન બની છે. આ પહેલાં તે ૨૦૧૩, ૨૦૧૫ અને ૨૦૧૭માં ચેમ્પિયન બની હતી. ૨૦૧૭માં પણ મુંબઇ ટીમે એક રનથી ફાઇનલ જીતી હતી. તે સમયે તેણે રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ્સને હરાવી હતી.
આઇપીએલ ફાઈનલમાં ચોથી વખત ૧૫૦ કરતા ઓછો સ્કોર નોંધાવનાર કોઇ ટીમ ચેમ્પિયન બની છે. મુંબઈએ આ સિદ્ધિ ત્રણ વખત મેળવી છે. મુંબઈએ ૨૦૧૩માં ૧૪૮ રન બનાવીને ચેન્નઈને ૨૩ રનથી પરાજય આપ્યો હતો. આ પછી ૨૦૧૭માં ૧૨૯ રન બનાવીને રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટસને ૧૨૮ના સ્કોરે અટકાવી હતી. મુંબઈ ઉપરાંત ૨૦૦૯ની ફાઈનલમાં ડેક્કન ચાર્જર્સે ૧૪૩ રન બનાવ્યા હતા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ રનથી હરાવી હતી. ૨૦૧૯માં પણ મુંબઈ ટીમે ૧૪૯ રનનો સ્કોર નોંધાવ્યા બાદ ટ્રોફી જીતી હતી.
ફાઇનલના આખરી બોલે ચેન્નઇને વિજય માટે બે રનની જરૂર હતી અને મલિંગાએ શાર્દુલ ઠાકુરને મિડલ સ્ટમ્પ ઉપર સ્લો યોર્કર નાખીને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. આ સાથે મુંબઇનો ડ્રેસિંગ રૂમમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. એક તબક્કે મલિંગાએ ૧૬મી ઓવરમાં ૨૦ રન આપી દેતાં ચેન્નઇ મેચ જીતી જશે તેમ લાગતું હતું. જોકે આક્રમક બેટીંગ કરી રહેલો શેન વોટસન છેલ્લી ઓવરમાં રનઆઉટ થતાં ચેન્નઇના હાથમાંથી બાજી સરકી ગઇ હતી અને મુંબઇ માટે જીતના સંજોગો સર્જાયા હતા.
ધોનીની વિકેટ ટર્નિંગ પોઇન્ટ
૧૩મી ઓવરમાં ચેન્નઇના કેપ્ટન ધોનીનું રનઆઉટ થવું તે મેચનો ટર્નિંગ પોઇન્ટ બન્યો હતો. બીજો રન લેવાના પ્રયાસમાં તે રનઆઉટ થયો હતો. ટીવી અમ્પાયર પાસે એક ફ્રેમને બાદ કરતાં ધોની રનઆઉટ હોય તેવી કોઇ ચોક્કસ રિપ્લે ફ્રેમ નહોતી. અમ્પાયરે ધોનીને બેનિફિટ ઓફ ડાઉટ આપવાના બદલે આઉટ જાહેર કર્યો હતો.
વોર્નર મુંબઇ માટે લકી
ડેવિડ વોર્નર ફરી એક વખત મુંબઇ ઇન્ડિયન્સ માટે લકી સાબિત થયો હતો. વોર્નર જ્યારે પણ ઓરેન્જ કેપનો એવોર્ડ મેળવે છે ત્યારે તે વર્ષે મુંબઇની ટીમ ચેમ્પિયન બને છે. ૨૦૧૫ અને ૨૦૧૭માં વોર્નરે ઓરેન્જ કેપ મેળવી હતી ત્યારે મુંબઇની ટીમ ચેમ્પિયન બની હતી. ૨૦૧૯માં પણ વોર્નરે ઓરેન્જ કેપ મેળવી તથા મુંબઇ ચેમ્પિયન બની છે.
પ્રાઇઝ મનીમાં ત્રણ ગણો વધારો
૨૦૦૮માં આઇપીએલની પ્રથમ સિઝન રમાઇ હતી, જેમાં વિજેતા રાજસ્થાન રોયલ્સને ઇનામી રકમ તરીકે ૪.૮ કરોડ રૂપિયા મળ્યા હતા. આ પછી સતત લીગની લોકપ્રિયતા વધી છે અને બોર્ડનો રેવન્યૂ ગ્રાફ પણ સતત ઉપર ચડતો રહ્યો છે. ૨૦૧૫માં ચેમ્પિયન બનેલી મુંબઇ ઇંડિયન્સને કુલ પ્રાઇઝ મનીના ૪૦ કરોડમાંથી રૂ. ૧૫ કરોડ ઇનામરૂપે મળ્યા હતા. ૨૦૧૯માં પ્રાઇઝ મની વધીને રૂ. ૫૫ કરોડ થયા છે, જેમાં ચેમ્પિયન બનેલી મુંબઇ ટીમને રૂ. ૨૦ કરોડ અપાયા છે. આમ ૧૧ સિઝનમાં પ્રાઇઝ મનીમાં કુલ ૩૦૦ ટકાની રકમનો વધારો થયો છે.
કોને કયો એવોર્ડ?
• પ્લેયર ઓફ ધ મેચ જસપ્રીત બુમરાહ
• મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર આન્દ્રે રસેલ
• ઓરેન્જ કેપ ડેવિડ વોર્નર
• પર્પલ કેપ ઇમરાન તાહિર
• બેસ્ટ સ્ટ્રાઈક રેટ આન્દ્રે રસેલ
• બેસ્ટ કેચ ઓફ સિઝન કિરોન પોલાર્ડ
• ઇમર્જિંગ પ્લેયર શુભમન ગીલ
• ફેર પ્લે એવોર્ડ સનરાઈઝર્સ હૈદરાબાદ
• બેસ્ટ ગ્રાઉન્ડ પીચ એવોર્ડ પંજાબ ક્રિકેટ એસો., હૈદરાબાદ ક્રિકેટ એસો.