બેંગ્લૂરુઃ આઈપીએલ ટી૨૦ ક્રિકેટ લીગમાં ખેલાડીઓની હરાજી થઇ ચૂકી છે અને કેટલાકને અપેક્ષા કરતાં વધારે નાણાં મળ્યા છે તો કેટલાક ક્રિકેટરો એવા પણ છે જેમને ખરીદવામાં ફ્રેન્ચાઇઝી ટીમોએ સહેજ પણ રસ દાખવ્યો નહોતો.
આઇસીસી ટી૨૦ તથા વન-ડે રેન્કિંગમાં પ્રથમ ક્રમાંક ધરાવતા સાઉથ આફ્રિકાને લેગ સ્પિનર ઇમરાન તાહિરને ખરીદવામાં કોઇ ફ્રેન્ચાઇઝીએ રસ દાખવ્યો નહોતો. લંચ બાદ યોજાયેલા હરાજીના બીજા સેશનમાં પણ તે કોઇ ટીમને આકર્ષિત કરી શક્યો નહોતો. આ ઉપરાંત ફૈઝ ફઝલ, એલેક્સ હાલેસ, રોઝ ટેલર, દિલ્હીનો ઉન્મુક્ત ચંદ, ૫૦ લાખની બેઝ પ્રાઇસ સાથે શ્રીલંકન ઓલરાઉન્ડર તિષારા પરેરાને પણ આશ્ચર્યજનક રીતે કોઇ ટીમે ખરીદવામાં રસ દાખવ્યો નહોતો.
બીજા અને ત્રીજા રાઉન્ડમાં પણ કોઇ લેવાલ નહોતું
લંચ બાદ પ્રથમ રાઉન્ડમાં કોઇ ટીમે રસ દાખવ્યો નહોતો તેમની ફરીથી હરાજી થઇ હતી. ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર ઇશાન્ત શર્મા, આર.પી. સિંહ, ઇરફાન પઠાણ, સ્પિનર પ્રજ્ઞાન ઓઝા, ભારતીય ઓલરાઉન્ડર પરવેઝ રસૂલ, ચેતેશ્વર પૂજારા ૨૦૧૭ની સિઝનમાં અનસોલ્ડ રહ્યા છે.
પૃથ્વી શો તથા પ્રિયાંક પંચાલમાં કોઈએ રસ ના દાખવ્યો
અંડર-૧૯ કિર્કેટ ટૂર્નામેન્ટનો સ્ટાર ખેલાડી પૃથ્વી શો ઉપરાંત ઉમેશ શર્મા, ચાલુ વર્ષે રણજી ટ્રોફીમાં સર્વાધિક રન નોંધાવનાર ગુજરાતના ખેલાડી પ્રિયાંક પંચાલ, પ્રવીણ દુબે, આકાશદીપ નાથને પણ કોઇ ટીમે ખરીદ્યા નહોતા. સ્થાનિક ખેલાડીઓના આઇપીએલના ભાવિનો કોઇ નિર્ણય થઇ શક્યો નહોતો. જોકે ખેલાડીઓની આશા હજુ પૂરી થઇ નથી કારણ કે હરાજીમાં તેમની પર વધુ એક વખત બોલી લાગી શકે છે.