મુંબઇઃ રવિવારે સમાપ્ત થયેલા આઇપીએલના બે દિવસના મેગા ઓક્શને સ્પષ્ટ કરી દીધું છે કે આ વર્ષે ટૂર્નામેન્ટમાં ગુજરાતી ખેલાડીઓનો ડંકો વાગશે. બેંગ્લૂરુમાં યોજાયેલી હરાજીમાં ગુજરાતી ખેલાડીઓની કરોડોમાં બોલી બોલાઈ હતી. પ્રથમ દિવસે લખનઉ સુપર જાયન્ટ્સે કૃણાલ પંડ્યાને રૂ. ૮.૭૫ કરોડમાં ખરીદ્યો હતો. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે હર્ષલ પટેલને રિલીઝ કર્યા બાદ ઓક્શનમાં રૂ. ૧૦.૭૫ કરોડમાં ફરી મેળવ્યો હતો. હર્ષલ પટેલે ગત સિઝનમાં હેટ્રિક લીધી હતી અને તે બોલિંગ તેમજ બેટિંગ બન્નેમાં પાવરધો હોવાથી તેને સારું વળતર મળ્યું છે.
ઓક્શનના બીજા દિવસે ટીમોએ યુવા ખેલાડીઓ પર પસંદગી ઉતારી હતી. જેમાં સૌરાષ્ટ્રના ઝડપી બોલર ચેતન સાકરિયાને દિલ્હી કેપિટલ્સે રૂ. ૪.૨૦ કરોડમાં કરાબદ્ધ કર્યો હતો. આ ઉપરાંત વડોદરાના અંશ પટેલને પંજાબ કિંગ્સે રૂ. ૨૦ લાખમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
સૌરાષ્ટ્રની રણજી ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટને મુંબઈ ઈન્ડિયન્સે રૂ. ૧.૩૦ કરોડમાં મેળવ્યો હતો. જ્યારે દિલ્હીએ ગુજરાતના રિપલ પટેલને રૂ. ૨૦ લાખની કિંમતે ખરીદ્યો હતો. સૌરાષ્ટ્રના પ્રેરક માંકડને પંજાબ કિંગ્સે રૂ. ૨૦ લાખમાં કરાબદ્ધ કર્યો છે. હરિયાણામાં જન્મેલા દીપક હુડા બરોડાની ટીમમાંથી રમ્યો છે અને તેને લખનઉની ટીમે રૂ. ૭.૭૫ કરોડમાં ખરીદ્યો છે.
પ્રથમ દિવસે ત્રણ ગુજરાતીને કરાર
આઈપીએલની હરાજીમાં પ્રથમ દિવસે ગુજરાતના ત્રણ ખેલાડીઓને કરાર મળ્યો હતો. અગાઉ ગુજરાત તરફથી રમતા હર્ષલ પટેલને ૧૦.૭૫ કરોડ રૂપિયામાં બેંગ્લોરની ટીમે કરારબદ્ધ કર્યો હતો. હાર્દિક પંડ્યા જેનો કેપ્ટન છે તેવી ગુજરાત ટાઈટન્સ ટીમ તેના ભાઈ કૃણાલ પંડ્યાને ટીમમાં સમાવી શકી ન હતી અને તેને ૮.૨૫ કરોડમાં લખનઉની ટીમે કરારબદ્ધ કર્યો હતો. દીપક હૂડા ૭.૭૫ કરોડ રૂપિયામાં લખનઉની ટીમમાં સામેલ થયો હતો.
ચાર સુપરસ્ટારને જંગી રકમ
ગુજરાતના ત્રણ સુપરસ્ટાર ક્રિકેટરોને પહેલા જ તેમની ટીમોએ રિટેન તેમજ ડ્રાફ્ટ પીક કરી લીધા હતા. જેમાં રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલનો સમાવેશ થાય છે. ચેન્નાઈ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજાને રૂ. ૧૬ કરોડમાં રિટેન કર્યો હતો. ગુજરાત ટાઈટન્સે હાર્દિક પંડ્યાને રૂ. ૧૫ કરોડમાં ડ્રાફ્ટમાંથી પસંદ કર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે રૂ. ૧૨ કરોડમાં બુમરાહને રિટેન કર્યો હતો. જ્યારે અક્ષર પટેલને દિલ્હી કેપિટલ્સે રૂ. ૯ કરોડમાં કરારબદ્ધ કર્યો હતો.
આ સ્ટાર્સને ખરીદવામાં કોઈને રસ નહીં
ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓ પણ આઈપીએલની હરાજીમાં મુકાયા હતા. જોકે, તેમને ખરીદવામાં કોઈ દાખવ્યો ન હતો. જેમાં સૌરાષ્ટ્રનો ધુરંધર ખેલાડી ચેતેશ્વર પુજારા સામેલ છે. આ ઉપરાંત ગુજરાતના ફાસ્ટર અર્ઝાન નાગવાસવાલા તેમજ બરોડાના ફાસ્ટર અતીત શેઠને પણ કોઈ ટીમે ખરીદ્યા ન હતા. આ ઉપરાંત વિષ્ણુ સોલંકી, યુવરાજ ચુડાસમા, ધ્રુવ પટેલ, નીનાદ રાઠવા જેવા ખેલાડીઓ પણ અનસોલ્ડ રહ્યા હતા. આઈપીએલમાં નવી પ્રવેશેલી ગુજરાત ટાઈટન્સની ટીમે પણ ગુજરાતની આ પ્રતિભાઓમાં રસ દાખવ્યો નહોતો.