મુંબઇઃ ચેમ્પિયન્સ ટ્રોફી-2025ની યજમાનગતિના મામલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભેખડે ભરાયું છે. ભારતીય ક્રિકેટ ટીમે ટુર્નામેન્ટ રમવા માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યા બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ વચલો માર્ગ કાઢતાં આ ટુર્નામેન્ટ હાઇબ્રીડ મોડમાં યોજવાની સલાહ આપતાં ટીમ ઇંડિયાની મેચો યુએઇમાં રમાડવા સુચવ્યું હતું. જોકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) આ માટે તૈયાર નથી. પીસીબી તમામ મેચો ઘરઆંગણે જ રમાડવાની જીદે ચઢ્યું હોવાથી આઇસીસીએ ચેતવણી ઉચ્ચારી છે કે જો એ તેનું વલણ નહીં બદલે તો ચેમ્પિયન્સ ટ્રોફી નાછુટકે નવા સ્થળે યોજવાની ફરજ પડશે. સંભવત આ સ્થળ સાઉથ આફ્રિકા હોઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે 9 ફેબ્રુઆરીથી 19 માર્ચ દરમિયાન યોજાનારી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાન પાકિસ્તાન છે અને ટુર્નામેન્ટની મેચો કરાચી, લાહોર અને રાવલપિંડીમાં રમાવાની છે. ભારતે સુરક્ષાના કારણોસર પાકિસ્તાનનો પ્રવાસ કરવાનું નકારી દીધું છે, પણ પીસીબી સતત ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) અને આઇસીસી પર દબાણ કરી રહ્યું છે કે ટીમ ઇંડિયા પાકિસ્તાન આવે અને ટુર્નામેન્ટમાં ભાગ લે. આ માટે તેણે ભારતની તમામ મેચો વાઘા બોર્ડરની નજીક આવેલા લાહોરમાં રમાડવાની પણ તૈયારી દર્શાવી હતી.
બીજી તરફ, બીસીસીઆઇએ આઇસીસીને એવો અનુરોધ કર્યો હતો તે ટીમ ઇંડિયાન મેચો અન્ય સ્થળે (બીજા દેશમાં) રમાડે તો તેને ટુર્નામેન્ટમાં ભાગ લેવામાં કોઇ વાંધો નથી. આ પછી પીસીબીના વડા મોહસીન નક્વીએ એવું જક્કી વલણ અપનાવ્યું હતું કે પાકિસ્તાન કોઇ પણ પ્રકારે હાઇબ્રીડ મોડેલ સ્વીકારવા તૈયાર નથી અને ટુર્નામેન્ટ તો પાકિસ્તાનમાં જ યોજાશે. એટલું જ નહીં, પીસીબીએ એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો આઇસીસી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ અને ટીમ ઇંડિયાને રાજી રાખવા હાઇબ્રીડ મોડમાં ટુર્નામેન્ટ રમાડશે તો પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીનો બહિષ્કાર કરશે. સાથે સાથે જ પીસીબીએ એવી ધમકી પણ આપી હતી કે તે ભવિષ્યમાં પણ ક્યારેય ભારત સામે આઇસીસી કે એસીસીની કોઇ મેચ રમશે નહીં, જેનાથી આઇસીસીના આર્થિક હિતોને પણ નુકસાન થઇ શકે છે.
પાક.ની આ અવળચંડાઇ પછી આઇસીસીએ પીસીબીને લાલ આંખ દેખાડી છે કે જો તે ટુર્નામેન્ટના હાઇબ્રીડ માટે તૈયાર નહીં થાય તો નાછૂટકે તેને ટુર્નામેન્ટ સાઉથ આફ્રિકા ખસેડવી પડશે. આઇસીસીના આ આકરા અભિગમ બાદ હવે પીસીબીની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઇ છે. જો તે આઇસીસીના દબાણને વશ થાય તો દેશવાસીઓ સમક્ષ નીચાજોણું થાય તેમ છે, અને જો આઇસીસી સામે જક્કી વલણ અપનાવે તો ચેમ્પિયન્સ ટ્રોફી જેવી ટુર્નામેન્ટ ગુમાવવાથી યજમાન તરીકે સ્પોન્સરશીપ પેટે મળનારા કરોડો રૂપિયા ગુમાવવા પડે તેમ છે.