મુંબઇઃ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ મળીને રૂ. 60 કરોડના રોકડ ઈનામની વહેંચણી કરાશે. આઠ દેશો વચ્ચે રમાનારી અને મિની વર્લ્ડ કપ તરીકે ઓળખાતી આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનનારી ટીમને આશરે રૂ. 20 કરોડ (22.4 લાખ ડોલર) ઈનામ મળશે, જ્યારે રનરઅપ બનનારી ટીમને આશરે રૂ. 10 કરોડ (11.2 લાખ ડોલર)નું રોકડ ઈનામ અપાશે. ચેમ્પિયન્સ ટ્રોફી બુધવાર - 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને યુએઈમાં સંયુક્તપણે યોજાઈ રહી છે. આઈસીસીએ જણાવ્યું હતુ કે, છેલ્લે 2017માં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી કરતાં આ વખતની ટૂર્નામેન્ટમાં અમે ઈનામની રકમમાં 53 ટકા જેટલો વધારો કર્યો છે. આઈસીસીની જાહેરાત અનુસાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગ્રૂપ સ્ટેજની મેચમાં વિજેતા બનનારી ટીમને કુલ મળીને ૩૦ હજાર ડોલર (34 હજાર ડોલર) અપાશે. વન-ડે વર્લ્ડ કપ પછીની આ બીજી સૌથી મોટી ટૂર્નામેન્ટમાં પાંચમા અને છઠ્ઠા ક્રમે રહેનારી ટીમોને આશરે રૂ. 3 કરોડ (3.50 લાખ ડોલર) અને સાતમા-આઠમા ક્રમે રહેનારી ટીમોને રૂ. 1.2 કરોડ (1.40 લાખ ડોલર) આપવામાં આવશે.