નવી દિલ્હીઃ ભારતનો ઇંગ્લેન્ડ સામે શ્રેણી વિજય તો થયો જ છે, પરંતુ તે પછી જાહેર થયેલા ટેસ્ટ રેન્કિંગ્સ પણ ભારત માટે ફાયદાકારક રહ્યા છે. આઈસીસી ટેસ્ટ રેન્કિંગ્સમાં બેટ્સમેનની યાદીમાં વિરાટ કોહલી બીજા ક્રમે પહોંચ્યો છે. એક માત્ર ઓસ્ટ્રેલિયાનો ખેલાડી સ્ટીવ સ્મિથ તેનાથી આગળ છે.
બીજી તરફ ભારતીય સ્પીન બોલિંગના હાર્દ સમાન અશ્વિનને પણ ફાયદો થયો છે. તે ઓક્ટોબર મહિનાથી ટોચના સ્થાને છે. હાલમાં તેના પોઈન્ટ વધીને ૯૦૪ થઈ ગયા છે. જેથી તેનું સ્થાન વધારે મજબૂત થયું છે. તેના પછીના ક્રમે શ્રીલંકાનો રંગાના હેરાથ છે, જે ૩૭ પોઈન્ટ પાછળ છે.
ઉલ્લેખનીય છે કે, મુરલીધરન બાદ અશ્વિન બીજો સ્પિનર છે જેને આટલું શ્રેષ્ઠ રેટિંગ મળ્યું છે. બેટિંગમાં વિરાટને ઇંગ્લેન્ડ સામેની બેવડી સદીથી સૌથી વધુ લાભ થયો છે. આનાથી તેને ૫૩ પોઇન્ટનો લાભ થયો છે. વર્તમાન સમયમાં કોહલી ટેસ્ટ અને વન-ડે ફોર્મેટમાં બીજા ક્રમે છે. જ્યારે ટી૨૦ ફોર્મેટમાં ટોચના સ્થાને છે.