દુબઈઃ ન્યૂ ઝીલેન્ડ વિરુદ્ધ શ્રેણી જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ વન-ડે રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી છે. જ્યારે કેપ્ટન વિરાટ કોહલી અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહે પોત-પોતાની કેટેગરીમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) દ્વારા સોમવારે વન-ડે રેન્કિંગ જારી કરાઇ છે. જેમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડમાં શ્રેણી જીતનારી ભારતીય ટીમ ૧૨૨ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. જ્યારે ઈંગ્લેન્ડ ૧૨૬ પોઈન્ટ સાથે ટોચના સ્થાને છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી શ્રેણીમાં સળંગ ત્રણ અડધી સદી નોંધાવીને મેન ઓફ ધ સિરીઝ બનેલા મહેન્દ્ર સિંહ ધોનીને પણ રેન્કિંગમાં ફાયદો થયો છે. ધોની ત્રણ સ્થાનના કૂદકા સાથે ૧૭માં સ્થાને આવી ગયો છે.
પાંચ મેચની શ્રેણીમાં ભારત સામે ઝંઝાવાતી બોલિંગ પ્રદર્શન કરનારા ન્યૂ ઝીલેન્ડના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટે પણ રેન્કિંગમાં કૂદકો માર્યો છે. પાંચ મેચમાં બોલ્ટે કુલ ૧૨ વિકેટ ઝડપી હતી, જેમાં ચોથી વન-ડેમાં તેણે ૨૧ રનમાં પાંચ વિકેટ કબ્જે કરી હતી. જેના કારણે ૨૯ વર્ષીય બોલરને સાત સ્થાનનો ફાયદો થયો છે. ૨૦૧૬માં રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચેલો બોલ્ટ ત્રીજા સ્થાને આવી ગયો છે. હવે તે બુમરાહ અને અફઘાનિસ્તાનના રાશિદ ખાન બાદ ત્રીજા ક્રમે છે. ભારતીય લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ એક સ્થાનના સુધારા સાથે પાંચમા સ્થાને આવી ગયો છે જ્યારે ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર છ સ્થાનના સુધારા સાથે ૧૭મા ક્રમાંકે પહોંચ્યો છે. બેટ્સમેનમાં કેદાર જાધવ પાંચ સ્થાન આગળ આવ્યો છે અને તે ૩૫માં ક્રમાંકે પહોંચ્યો છે. ટીમ રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડને નુકસાન થયું છે અને તે હવે સાઉથ આફ્રિકા બાદ ચોથા ક્રમે છે.