દુબઇઃ પૂણેમાં ભારત સામે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાને ઐતિહાસિક જીત અપાવનાર સુકાની સ્ટિવ સ્મિથે આઈસીસી રેન્કિંગમાં ટોચનું સ્થાન વધારે મજબૂત બનાવ્યું છે.
આઈસીસીના નવા રેન્કિંગમાં સ્મિથ કારકિર્દીના સર્વશ્રેષ્ઠ ૯૩૯ રેટિંગ પોઈન્ટ પર પહોંચી ગયો છે. સ્મિથ આઈસીસી રેન્કિંગના ઇતિહાસમાં સૌથી વધારે રેટિંગ પોઈન્ટ મેળવનાર છઠ્ઠો બેટ્સમેન છે. આ સાથે તેણે ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન ગેરી સોબર્સ, વિવ રિચડર્સ અને કુમાર સંગાકારાને પાછળ રાખી દીધા છે. આ દિગ્ગજોએ પોતાની કારકિર્દીમાં સર્વશ્રેષ્ઠ ૯૩૮ રેટિંગ પોઈન્ટ મેળવ્યા હતા.
રેટિંગ પોઇન્ટમાં હવે સ્મિથ કરતા ફક્ત ડોન બ્રેડમેન (૯૬૧), લેન હટન (૯૪૫), જેક હોબ્સ (૯૪૨), રિકી પોન્ટિંગ (૯૪૨) અને પીટર મે (૯૪૧) જ આગળ રહ્યા છે. તેણે બીજા ક્રમે રહેલા ભારતના સુકાની વિરાટ કોહલી પર ૬૬ પોઈન્ટની લીડ મેળવી છે. પ્રથમ ટેસ્ટમાં ફ્લોપ કોહલીને ૨૨ પોઈન્ટનું નુકસાન થયું હતું. ઇંગ્લેન્ડનો જોઈ રુટ ૮૪૮ પોઇન્ટ સાથે ત્રીજા ક્રમાંકે છે.