નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ આંતરરાષ્ટ્રીય ટી૨૦ મેચો માટે નિયમોમાં ફેરફાર કર્યો છે. આઇસીસીએ સ્લો ઓવર રેટ માટે પેનલ્ટીનો નિયમ લાગુ કર્યો છે. હવેથી ટી૨૦ મેચ દરમિયાન ડ્રિન્ક્સ બ્રેક પણ લઈ શકાશે. ચાલુ મહિનાથી જ આ નવા નિયમો લાગુ થઇ ગયા છે. નવા નિયમો અનુસાર જો કોઈ ટીમ ઓવર રેટમાં નિયત સમય કરતા પાછળ હશે, તો બાકીની બચેલી ઓવર્સમાં એક ફિલ્ડર ૩૦ યાર્ડ સર્કલની બહાર ઊભો નહીં થઈ શકે. તેણે ૩૦ યાર્ડ સર્કલની અંદર જ રહેવું પડશે.
અત્યાર સુધી સુધી સ્લો ઓવર રેટ બદલ માત્ર દંડ થતો હતો અને દોષિત ટીમના ખેલાડીઓની મેચ ફીની રકમ કાપી લેવાતી હતી. સાથે જ ટીમના કેપ્ટનને ડિમેરિટ પોઇન્ટ પણ અપાતા હતા. નવા નિયમો બાદ પણ જૂની સજાઓ યથાવત્ રહેશે.
આ નિયમો સાથે પહેલી ટી૨૦ મેચ વેસ્ટ ઇન્ડિઝ અને આર્યલેન્ડ વચ્ચે ૧૬ જાન્યુઆરીના રોજ જમૈકાના સબિના પાર્ક સ્ટેડિયમ પર રમાશે.