મુંબઈઃ મેચ-ફિક્સિંગમાં કથિત સંડોવણી બદલ બે વર્ષનો પ્રતિબંધ ભોગવ્યા બાદ આઈપીએલમાં પરત ફરેલી ચેન્નઈ સુપર કિંગ્સે પુનરાગમન સાથે જ શાનદાર પ્રદર્શન કરતાં ત્રીજી વખત ટાઇટલ જીત્યું છે. આ સાથે જ તેણે આઈપીએલ ટાઇટલ ત્રણ વખત જીતવાની મુંબઈ ઈન્ડિયન્સના વિક્રમની બરાબરી કરી છે. ચેન્નઈ સુપર કિંગ્સે આ પહેલાં ૨૦૧૦ અને ૨૦૧૧માં પણ ટાઇટલ જીત્યું હતું.
રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ નિહાળવા મોટી સંખ્યામાં ક્રિકેટચાહકો ઉમટી પડ્યા હતા. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદે કેપ્ટન કેન વિલિયમ્સનના ૪૭ અને યુસુફ પઠાણના અણનમ ૪૫ રનની મદદથી ૨૦ ઓવરના અંતે છ વિકેટના ભોગે ૧૭૮ રન કર્યા હતા.
૧૭૯ રનના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી મેન ઓફ મેચ શેન વોટસને તોફાની બેટીંગ કરતાં સિઝનની બીજી સદી ફટકારીને ટીમને જીત સુધી પહોંચાડી હતી. વોટસનને ૧૧ ચોગ્ગા અને ૮ છગ્ગા સાથે અણનમ ૧૧૭ રન ફટકાર્યા હતા. ચેન્નઈ સુપર કિંગ્સે ૧૬ રનના કુલ સ્કોરે ડુ પ્લેસીસની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી વોટસન અને સુરેશ રૈનાએ બીજી વિકેટ માટે ૧૧૭ રનની નિર્ણાટક ભાગીદારી નોંધાવી ટીમને સંગીન સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. રૈના ૩૨ રન બનાવી આઉટ થયા બાદ વોટસન અને રાયુડુ (૧૭)એ ૧૮.૩ ઓવરમાં જીત અપાવી હતી.
૫ ઓવરમાં માત્ર ૨૦ રન
હૈદરાબાદ સામે જીતવા માટે મેદાનમાં ઉતરેલી ચેન્નઈ ટીમે શરૂમાં રન ફટકારવાના બદલે રન બચાવવા તરફ વિશેષ ધ્યાન આપ્યું હતું. વોટસન અને ડુ પ્લેસીસની ઓપનિંગ જોડીએ ભુવનેશ્વર કુમાર અને સંદીપ શર્માની અસરકારક બોલિંગ સામે ખૂબ ધીરજ સાથે બેટીંગ કરી હતી. પ્રથમ પાંચ ઓવરના અંતે ચેન્નઈનો સ્કોર એક વિકેટે માત્ર ૨૦ રન હતો. જોકે પીચ પર સેટ થઈ ગયા બાદ વોટસન અને ડુ પ્લેસીસે આક્રમણ શરૂ કર્યું હતું. પછીની ૫ ઓવરમાં તેમણે ૬૦ રન ફટકાર્યા હતા અને ૧૦ ઓવરના અંતે સ્કોર એક વિકેટે ૮૦ રને પહોંચાડયો હતો.
છેક ૧૧મા બોલે પહેલો રન
ચેન્નઈ તરફથી મેચવિનિંગ શતકીય ઈનિંગ રમનારા વોટસને ખૂબ જ ધીમી શરૂઆત કરી હતી. પીચ પર બોલરોને મદદ મળી રહી હતી, ત્યારે વોટસને પહેલા ૧૦ બોલ તો ખાલી કાઢ્યા હતા. છેક ૧૧મા બોલે તેણે ચોગ્ગો ફટકારીને ખાતું ખોલાવ્યું હતું. આ પછી તો તેણે તોફાની બેટીંગ કરતાં ૩૩ બોલમાં ૫૦ રન અને બાવન બોલમાં સદી નોંધાવી હતી.
૧ ઓવરમાં ૨૭ રન
ચેન્નઈ તરફથી રમતા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર વોટસને ઝંઝાવાતી બેટીંગ કરતાં હૈદરાબાદના સંદીપ શર્માની એક ઓવરમાં ૨૭ રન ફટકાર્યા હતા. ચેન્નઈને મેચ જીતવા ૪૮ બોલમાં ૭૫ રનની જરૂર હતી, ત્યારે ઈનિંગની ૧૩મી ઓવર સંદીપે નાંખી હતી. જેમાં પહેલા ડોટ બોલ બાદ વોટસને ચોગ્ગો ફટકાર્યો હતો. આ પછી ઉપરાઉપરી ત્રણ છગ્ગા ફટકારીને સ્ટેડિયમમાં ચેન્નઈના ચાહકોને જોશમાં લાવી દીધા હતા. આ પછી વાઈડ બોલ બાદ તેણે ફરી ચોગ્ગો ફટકારતાં એક જ ઓવરમાં કુલ ૨૭ રન ઝૂડયા હતા. આ પછી ચેન્નઈને જીતવા ૪૨ બોલમાં ૪૮ રનની જરૂર હતી.
એન્ગિડી - ચહરનો જાદુ
હૈદરાબાદ સામેની ફાઈનલમાં ચેન્નઈના ફાસ્ટ બોલરો એન્ગિડી અને દીપક ચહરે તેમની બોલિંગનો જાદુ દેખાડયો હતો. વાનખેડેની પીચ પર બંને બોલરોએ ચેન્નઈને અસરકારક સ્ટાર્ટ અપાવ્યો હતો. એન્ગિડીએ તો એક મેડન ઓવર પણ નાંખી હતી. હૈદરાબાદ ચાર ઓવરમાં એક વિકેટે માત્ર ૧૭ રન જ કરી શક્યું હતુ. એન્ગિડી અને ચહરની જોડીએ કુલ ૮ ઓવરમાં ૫૧ રન આપીને બે વિકેટ ઝડપી હતી. કરણ શર્માએ ત્રણ ઓવરમાં ૨૫ રન આપ્યા હતા.
સતત ચોથો વિજય
ફાઈનલ જીતવા સાથે ચેન્નઈ સુપર કિંગ્સે આ સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સતત ચોથો વિજય મેળવ્યો છે. બંને ટીમ લીગ રાઉન્ડમાં ટકરાઇ ત્યારે ચેન્નઈએ બાજી મારી હતી જ્યારે પ્લેઓફના ક્વોલિફાયર વન મુકાબલામાં પણ ચેન્નઈએ હૈદરાબાદને હરાવ્યું હતું. આ પછી બંને ફાઇનલમાં ટકરાયા હતા. અહીં પણ ચેન્નઈએ એકતરફી દેખાવ કરતાં હૈદરાબાદને ૮ વિકેટે હરાવીને ટાઇટલ જીતી લીધું છે.
ધોની ટોસમાં પણ ‘ચેમ્પિયન’
ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીએ આ સિઝનની કુલ ૧૬ મેચમાં ૧૧ વખત ટોસ જીત્યો હતો. જેમાંથી તેણે ફાઇનલ સહિત ૧૦ વખત ફિલ્ડિંગ પસંદ કરી છે. ટોસ દરમિયાન ધોની મજાક કરતો જોવા મળ્યો હતો. ધોનીએ સિક્કો ઉછાળ્યો હતો. હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમ્સન ટેલ બોલ્યો હતો. સંજય માંજરેકરે ધોનીને જણાવ્યું, તમે હેડ માગ્યો છે. ધોનીએ વળતું જણાવ્યું કે, વિલિયમ્સને ટેલ માગ્યો છે. માંજરેકરે ફરી ધોનીને કહ્યું કે, હા, તમે હેડ માગ્યો છે. ધોનીએ કહ્યું, ના, આમણે ટેલ માગ્યો છે. આ ઘટના વર્લ્ડ કંપની જૂની યાદો તાજી કરી હતી.