નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનમાં ફ્રેન્ચાઈઝીઓને સ્પોન્સરશિપથી થનારી કમાણીમાં જંગી વધારો થશે તેવો અંદાજ છે. માર્કેટના સૂત્રો જણાવે છે કે, આઇપીએલ-2025માં 10 ફ્રેન્ચાઈઝીઓને માત્ર સ્પોન્સરશિપ થકી જ કુલ મળીને 1,300 કરોડ રૂપિયા જેટલી કમાણી થાય તેવી ધારણા છે.
વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડની હાઈપ્રોફાઈલ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ખેલાડીઓને તો જંગી કમાણી થઈ જ રહી છે. સાથે સાથે આઈપીએલની તેમજ ફ્રેન્ચાઈઝીઓની બ્રાન્ડ વેલ્યૂમાં પણ પ્રતિવર્ષ વધારો થતો જોવા મળી રહ્યો છે. આઈપીએલની લોકપ્રિયતાને કારણે આઇપીએલના સુપરસ્ટાર ખેલાડીઓ અને ફ્રેન્ચાઈઝીઓની સાથે જોડાવા માટે વિવિધ બ્રાન્ડ પ્રયાસો કરી રહી છે અને આજ કારણે આઈપીએલની 18મી સિઝનમાં ફ્રેન્ચાઈઝીઓને સ્પોન્સરશિપથી થનારી કમાણીમાં જંગી ઉછાળો આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
આઇપીએલની 18મી સિઝનમાં ગુજરાત ટાઈટન્સની ટીમની સાથે કુલ મળીને 32 જેટલા પ્રાયોજકો અને પાર્ટનર્સ જોડાયેલા છે. જેના કારણે તેમની સ્પોન્સરશિપ થકી થનારી કમાણીમાં 30 ટકા જેટલો વધારો થાય તેવી અપેક્ષા છે તેમ એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત પંજાબ કિંગ્સની ફ્રેન્ચાઈઝીની સાથે આ સિઝનમાં પાંચ નવા સ્પોન્સર જોડાયા છે. વર્ષ 2024માં પંજાબની ટીમની સાથે 15 જેટલા સ્પોન્સર હતા, જે આ વખતે વધીને 20 થઈ ગયા છે. નોંધપાત્ર બાબત એ છે કે, પંજાબ હજુ સુધી ક્યારેય આઇપીએલ ટાઈટલ જીતી શક્યું નથી. આ વખતે તેમણે ગત સિઝનમાં કોલકાતાને ચેમ્પિયન બનાવનારા શ્રેયસ ઐયરને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. જ્યારે કોલકાતાની ટીમની સાથે પણ કેટલીક નવી બ્રાન્ડ જોડાઈ છે અને તેમના પ્રયોજકોની સંખ્યા 25થઈ ગઈ છે. આ સિવાય પણ અન્ય ફ્રેન્ચાઈઝીઓના વિવિધ સ્પોન્સર્સની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. જેના કારણે તેમની સ્પોન્સરશિપની આવક પણ વધી રહી છે. કારણકે આઈપીએલની લોકપ્રિયતા દર સિઝનમાં નવા રેકોર્ડ પ્રસ્થાપિત કરી રહી છે. આ જ કારણે ટીમના સ્પોન્સરશિપ થકી મળનારી રકમમાં પણ વધારો થઈ રહ્યો છે.