દુબઈઃ ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓફ-સ્પીનર રવિચંદ્રન અશ્વિન આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને આવી ગયો છે. ૯૦૦ પોઈન્ટ સાથે તેણે આ સ્થાન મેળવ્યું છે. ન્યૂ ઝીલેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી સિરીઝમાં પ્રશંસનીય દેખાવ કરવા સાથે તેણે આ સિદ્ધિ મેળવી છે. આઈસીસી રેન્કિંગમાં ૯૦૦ પોઈન્ટ મેળવનાર તે પહેલો ભારત ખેલાડી છે. ન્યૂ ઝીલેન્ડ સામેની સિરીઝમાં કુલ ૬૦ વિકેટો પડી હતી, જેમાંથી ૪૫ ટકા એટલે કે ૨૭ વિકેટ તેણે ઝડપી છે. અશ્વિને ઈન્દોર ટેસ્ટમાં તો ૧૪૦ રન આપી ૧૩ વિકેટ ઝડપી હતી. આમ તે મેન ઓફ ધ મેચ સાથે સાથે મેન ઓફ ધ સિરીઝ પણ જાહેર થયો હતો. અશ્વિને સાતમી વખત મેન ઓફ ધ સિરીઝ સન્માન મેળવ્યું છે.
અંતિમ ટેસ્ટમાં તેણે જ્વલંત પ્રદર્શનના કારણે તેને પોઈન્ટમાં ઘણો ફાયદો થયો હતો. ઈન્દોર ટેસ્ટ પૂરી થતાં જ તે રેન્કિંગ પોઈન્ટમાં ૪૧ ક્રમના ઉછાળા સાથે ૯૦૦ પોઈન્ટ પર પહોંચી ગયો હતો. આ સાથે જ તે રેન્કિંગમાં ટોચના ક્રમે પહોંચી ગયો હતો. આ સ્થાને પહોંચતાની સાથે જ તેણે ઘણા સમયથી ટોચના ક્રમે ચાલી રહેલા સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેનને પછાડયો હતો જ્યારે ઈંગ્લેન્ડનો ફાસ્ટર જેમ્સ એન્ડરસન ત્રીજા ક્રમે ધકેલાઈ ગયો છે.
૯૦૦ પોઈન્ટઃ પ્રથમ ભારતીય બોલર
આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ૯૦૦ પોઈન્ટ મેળવનાર અશ્વિન પહેલો ખેલાડી છે. અત્યાર સુધી ભારત તરફથી કોઈ પણ બોલરે આટલા પોઈન્ટ મેળવ્યા નથી. આ પહેલાં કપિલ દેવ આઈસીસી રેન્કિંગમાં ટોચના સ્થાને હતો પણ તેને ૮૭૭ પોઈન્ટ જ મળ્યા હતા. બેટ્સમેન તરીકે સુનિલ ગવાસ્કરને ૯૧૮ પોઈન્ટ મળેલા છે. આમ જોવા જઈએ તો બોલર તરીકે ૯૦૦ પોઈન્ટ મેળવનાર અશ્વિન પહેલો ભારતીય ખેલાડી છે જ્યારે ટીમ ઈન્ડિયાના ખેલાડી તરીકે આટલા પોઈન્ટ મેળવનાર બીજો ભારતીય છે.
ઓલરાઉન્ડર યાદીમાં પણ મોખરે
અશ્વિને બોલરમાં તો ટોચનું સ્થાન મેળવ્યું જ છે પણ પોતાના બેટિંગ અને ફિલ્ડિંગના જોરે ઓલરાઉન્ડરની યાદીમાં પણ પોતાનું જોર બતાવ્યું છે. આઈસીસીની ટેસ્ટ ઓલ રાઉન્ડરની યાદીમાં ૪૫૧ પોઈન્ટ સાથે અશ્વિન ટોચના ક્રમે પહોંચ્યો છે. ૨૯૨ પોઈન્ટ સાથે રવીન્દ્ર જાડેજા આ યાદીમાં ત્રીજા સ્થાને રહેલો છે
રહાણે ટોપ-ટેનમાં, કોહલીનું રેન્કિંગ સુધર્યું
ઈન્દોર ટેસ્ટના વિજયે અશ્વિનને ફાયદો કરાવવાની સાથે સાથે અજિંક્ય રહાણે અને ભારતના ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પણ ફાયદો પહોંચાડયો છે. આ મેચમાં વિજય સાથે રહાણે આઈસીસીના બેટ્સમેન લિસ્ટમાં ટોપ-૧૦માં આવી ગયો છે. ઈન્દોર મેચમાં ૧૮૮ અને ૨૩ રન બનાવવાના કારણે રહાણેને ફાયદો થયો છે. તે હાલમાં આઈસીસી રેન્કિંગમાં છઠ્ઠા ક્રમે પહોંચી ગયો છે. ઈન્દોર ટેસ્ટ પહેલાં તે ૧૧મા ક્રમે હતો. ઘણા લાંબા સમય બાદ ભારતીય ખેલાડીને ટોપ-૧૦માં સ્થાન મળ્યું છે.
ભારતનો ટેસ્ટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પાસે પણ આ વિજય બાદ ખુશ થવાનો બીજો અવસર આવ્યો છે. આ શ્રેણી વિજય બાદ કોહલી ૨૦મા ક્રમાંકેથી ઉછળીને ૧૬મા ક્રમે આવી ગયો છે. આ સિવાય ચેતેશ્વર પૂજારા પણ એક સ્થાનના સુધારા સાથે ૧૪મા ક્રમે આવ્યો છે. રોહિત શર્મા આ યાદીમાં ૩૧મા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાનો સ્ટીવન સ્મિથ ટોચના સ્થાને છે. ન્યૂ ઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન બે ક્રમની પડતી સાથે પાંચમા ક્રમે આવી ગયો છે.