હરારેઃ છેલ્લી ઓવરના છેલ્લા બોલ સુધી રોમાંચક બનેલી ત્રીજી ટ્વેન્ટી૨૦ મેચમાં ભારતે યજમાન ઝિમ્બાબ્વેને ત્રણ રનથી હરાવીને શ્રેણીને ૨-૧થી જીતી છે. ૨૨ જૂને રમાયેલી મેચમાં ભારતને છ વિકેટે ૧૩૮ રનના સ્કોર સુધી સિમિત રાખ્યા બાદ ઝિમ્બાબ્વે છ વિકેટે ૧૩૫ રન જ કરી શક્યું હતું. કેદાર જાધવે ૪૨ બોલમાં ૫૮ રન બનાવીને ભારતને શરૂઆતના સંકટમાંથી બહાર કાઢ્યું હતું. રાહુલે ૨૨, રાયડુએ ૨૦ અને અક્ષર પટેલે અણનમ ૨૦ રનનું યોગદાન આપ્યું હતું.
ઝિમ્બાબ્વેને છેલ્લી ઓવરમાં ૨૧ રનની જરૂર હતી. સરને પ્રથમ બોલેરન આપ્યા બાદ બાકીના બે બોલમાં એક નો-બોલ સહિત બે બાઉન્ડ્રી નોંધાઇ હતી. ઝિમ્બાબ્વેને મેચ જીતવા છેલ્લા બોલે ચાર રનની જરૂર હતી, પરંતુ ચિગુમ્બુરા લો ફુલટોસ બોલમાં ચહલના હાથે કેચઆઉટ થયો હતો. ઝિમ્બાબ્વેની ઇનિંગ્સમાં સિબાન્ડાએ ૨૮ તથા મૂરે ૨૬ રનનું યોગદાન આપ્યું હતું.
રેકોર્ડની બરાબરી કરતો ધોની
ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ તમામ ફોર્મેટના ૩૨૪ મેચમાં રિકી પોન્ટિંગના નેતૃત્વ કરવાના રેકોર્ડની બરોબરી કરી હતી. ૨૦૦૭માં ધોનીની કેપ્ટન તરીકે વરણી થઇ હતી. ત્યારબાદ તેણે ૬૦ ટેસ્ટ, ૧૯૪ વન-ડે તથા ૭૦ ટી૨૦માં ભારતનું નેતૃત્વ કર્યું છે. ૩૪ વર્ષીય ધોની ભારતનો સૌથી સફળ કેપ્ટનપણ છે. તેણે ૨૭ ટેસ્ટ, ૧૦૭ વન-ડે તથા ૪૦ ટી૨૦માં વિજય હાંસલ કર્યો છે. ૨૦૧૪માં ધોનીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કરી હતી.
ટી૨૦માં ભારત પ્રથમ વખત ૧૦ વિકેટે જીત્યું
પ્રથમ આંતરરાષ્ટ્રીય ટી૨૦ મેચ રમી રહેલા ઝડપી બોલર બારિન્દર સરને ઝડપેલી ચાર વિકેટ તથા બુમરાહની ત્રણ વિકેટ બાદ ઓપનર્સ મનદીપ સિંહ અને રાહુલની સદીની ભાગીદારીની મદદથી પ્રવાસી ભારતે ૨૦ જૂને હરારેમાં રમાયેલી બીજી ટી૨૦ ક્રિકેટ મેચમાં યજમાન ઝિમ્બાબ્વેને ૧૦ વિકેટથી પરાજય આપ્યો હતો. ભારતે આંતરરાષ્ટ્રીય ટી૨૦ મેચમાં પ્રથમ વખત ૧૦ વિકેટથી વિજય મેળવ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ઝિમ્બાબ્વેએ ૨૦ ઓવરમાં નવ વિકેટના ભોગે ૯૯ રન કર્યા હતા. જવાબમાં ભારતે ૧૩.૧ ઓવરમાં વિના વિકેટે ૧૦૩ રન કરીને મેચ જીતી લીધી હતી. સાથે ભારતે ત્રણ ટી૨૦ મેચની શ્રેણી ૧-૧થી સરભર કરી હતી. ભારત માટે આસાન લક્ષ્યાંકનો પીછો કરતાં ઓપનર મનદીપે ૪૦ બોલમાં છ બાઉન્ડ્રી તથા એક સિક્સર વડે અણનમ બાવન રન અને કે. એલ. રાહુલે અણનમ ૪૭ રન કર્યા હતા. અગાઉ ઝિમ્બાબ્વેની શરૂઆત નબળી રહી હતી અને મૂરે સૌથી વધુ ૩૧ રન કર્યા હતા. બરિન્દર સરને ૧૦ રનમાં ચાર તથા બુમરાહે ૧૧ રનમાં ત્રણ વિકેટ લીધી હતી.