ઓવલઃ આજથી યજમાન ઇંગ્લેન્ડ અને મહેમાન ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ સીરિઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. સ્વાભાવિક છે કે ઇંગ્લેન્ડના કેપ્ટન એલિસ્ટર કૂકનું લક્ષ્ય મેચમાં વિજય સાથે સીરિઝ ૪-૧થી જીતીને ઇતિહાસ રચવાનું હશે જ્યારે સીરિઝ ગુમાવી ચૂકેલી ઓસ્ટ્રેલિયાની ટીમ ક્લાર્ક અને રોજર્સને વિજયી વિદાય આપવાના ઇરાદે મેચને યાદગાર બનાવવા તૈયારી કરી છે.
ઇંગ્લેન્ડની ટીમે ૧૯૭૮-૭૯માં માઇક બ્રિયર્લીની આગેવાની હેઠળ ઓસ્ટ્રેલિયાને તેના જ મેદાનમાં ૫-૧થી પરાજય આપ્યો હતો, પરંતુ ઇંગ્લેન્ડની ટીમે હોમ ગ્રાઉન્ડ પર ક્યારેય ૪-૧થી એશિઝ સીરિઝ જીતી નથી. આમ ૩-૧ની સરસાઈ ધરાવતી ઇંગ્લેન્ડની ટીમ આ વખતે ઓસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસ રચી શકે તેમ છે. ઇંગ્લેન્ડ આ સિરીઝ ૪-૧થી જીતી ૨૦૧૩-૧૪માં ઓસ્ટ્રેલિયામાં ૫-૦થી મળેલી હારનો બદલો લેવા માગે છે.
ઇંગ્લેન્ડના કોચ ટ્રેવર બેલિસે કહ્યું કે, ટીમ બે સ્પિનરો સાથે મેદાને ઊતરી શકે તેમ છે. જેથી સ્પિનર આદિલ રશીદને ટેસ્ટમાં પદાર્પણની તક મળી શકે તેમ છે. માર્ક વૂડ ઇજાગ્રસ્ત છે અને જેમ્સ એન્ડરસન સંપૂર્ણ સ્વસ્થ થયો ન હોવાથી પાંચમી ટેસ્ટ મેચમાં આરામ અપાયો છે.
બીજી તરફ, ઓસ્ટ્રેલિયાની ટીમ ચોથી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં માત્ર ૬૦ રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી અને તે ટેસ્ટમાં એક ઇનિંગ અને ૭૮ રને પરાજય થયો હતો. આ કારમા પરાજયની નિરાશામાંથી ટીમ હજુ બહાર આવી નથી. ગયા અઠવાડિયે ઇંગ્લેન્ડની કમજોર કાઉન્ટી ટીમ ગણાતી નોર્થમ્પટનશાયર સામેની અભ્યાસ મેચમાં પણ ટોચના ખેલાડીઓ નિષ્ફળ ગયા હતા. જોકે ક્રિસ રોજર્સે કહ્યું કે, અમે સીરિઝ ગુમાવવાથી ઘણા નિરાશ અવશ્ય છીએ, પરંતુ અંતિમ ટેસ્ટમાં ક્લાર્કને વિજયી વિદાય આપવા માટે તૈયારી કરી છે.
ઓસ્ટ્રેલિયાની ટીમે સિરીઝ ગુમાવ્યા બાદ હતાશામાં ધકેલાઈ ગઈ છે ત્યારે સ્મિથે અંતિમ ટેસ્ટ મેચમાં દેશવાસીઓને સપોર્ટ આપવા માટે અપીલ કરી હતી.
ભાસ્કર, લંડન, તા. ૧૮
ક્રિસ રોજર્સ પણ નિવૃત્તિના પંથે
સુકાની માઇકલ ક્લાર્ક બાદ ઓપનિંગ બેટ્સમેન ક્રિસ રોજર્સે પણ પાંચમી એશિઝ ટેસ્ટ મેચ બાદ નિવૃત્તિની જાહેરાત કરી છે. આમ આજથી શરૂ થઇ રહેલી તેની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ રહેશે. ૩૭ વર્ષીય રોજર્સે ગયા મંગળવારે આ નિર્ણયની જાહેરાત કરી હતી. રોજર્સે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા તરફથી રમતી વખતે મેં ઘણા સારા વર્ષ પસાર કર્યા છે અને હું ઘણી બાબતોનો સાક્ષી છે, પરંતુ પ્રત્યેક બાબતોનો અંત હોય છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૨૪ હજાર કરતા વધારે રન બનાવનાર રોજર્સે ૨૦૦૮માં પોતાની પ્રથમ ટેસ્ટ રમી હતી.