આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે હાઇ કમિશન અને FICCI વચ્ચે ટી-20 મેચ યોજાઇ

યુકેના કાર્યકારી ભારતીય હાઇ કમિશનર સુજિત ઘોષ મેન ઓફ ધ મેચ જાહેર

Wednesday 03rd August 2022 07:24 EDT
 
 

લંડનઃ ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી અંતર્ગત ચાલી રહેલી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે બ્રિટન સ્થિત ભારતીય હાઇ કમિશન અને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)- બ્રિટનની ટીમો વચ્ચે લંડન સ્થિત ઇન્ડિયન જિમખાના ખાતે એક ટી-20 ક્રિકેટ મેચનું આયોજન કરાયું હતું. બ્રિટનમાં આયોજિત થઇ રહેલી બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022ને ભારતીય ઉપખંડનું સમર્થન જાહેર કરવા માટે આ ઇવેન્ટ યોજાઇ હતી. ભારતીય હાઇકમિશનની ટીમમાં કાર્યકારી હાઇ કમિશનર સુજિત ઘોષ તેમજ હાઇ કમિશનના અધિકારીઓ અને સ્ટાફના સભ્યો સામેલ થયાં હતાં.
FICCI ની ટીમમાં કાર્લ્કો ટેકનિકલ પ્લાસ્ટિક, ICICI બેન્ક યુકે, પીએલસી, એમટીસી ગ્રુપ, રેડ રિબન આસેટ મેનેજમેન્ટ, એસબીઆઇ યુકે, ટીસીએસ જેવા સભ્ય એકમોના કર્મચારીઓ અને ભારતીય સમુદાયના લોકો સામેલ હતાં. છેલ્લી ઓવર સુધી નિર્ણય અદ્ધરતાલ રહેતાં મેચ અત્યંત રોમાંચક બની હતી. અંતિમ ઓવરમાં FICCI ટીમનો પાંચ રને વિજય થયો હતો.
મેચ નિહાળવા ભારતીય સમુદાયના 125થી વધુ લોકો હાજર રહ્યાં હતાં અને મેચમાં ભાગ લઇ રહેલી ટીમોને ચિયર અપ કરીને મનોબળ વધાર્યું હતું. અગ્રણી મહાનુભાવો એવા એફઆઇસીસીઆઇ યુકે કાઉન્સિલના અધ્યક્ષ રાઇટ ઓનરેબલ બેરોનેસ પરાશર CBE, આઇએએસ અને મધ્યપ્રદેશ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મનિષ સિંહ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના સીઇઓ અને પ્રાદેશિક વડા શરદ ચંડક, રેડ રિબન આસેટ મેનેજમેન્ટના વાઇસ ચેરમેન અરવિદ પેડરસન, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝના એચઆર ડિરેક્ટર-યુકે અને આયર્લેન્ડ રામકુમાર ચંદ્રશેકરન, દક્ષ ગ્લોબલના પરાગ આનંદ સહિત અન્યો તેમાં સામેલ થયાં હતાં.
મેચની પૂર્ણાહૂતિ પ્રસંગે બોલતાં ભારતના કાર્યકારી હાઇ કમિશનર સુજિત ઘોષે જણાવ્યું હતું કે, મેચ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત હાઇ કમિશન દ્વારા આયોજિત થઇ રહેલા વિવિધ કાર્યક્રમોનો હિસ્સો હતી. આ પ્રકારના આયોજનો પ્રસંગે ભારતીય સમુદાયના લોકો અને હાઇ કમિશનના અધિકારીઓ વચ્ચે અવિધિવત રીતે મુદ્દાઓ પર ચર્ચા થતી હોય છે અને વિઝા સહિતના કોન્સ્યુલરને લગતા તેમના સવાલોના જવાબ પણ અપાતાં હોય છે.
બેરોનેસ પરાશરે જણાવ્યું હતું કે, ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી પ્રસંગે ભારતીય હાઇ કમિશન અને FICCI વચ્ચે ફ્રેન્ડલી મેચનું આયોજન કરી શકાયું તેની મને ખુશી છે.
ભારતીય સમુદાયના લોકોએ પરિવાર સાથે હાજર રહીને આ મેચનો આનંદ માણ્યો હતો. યોગાનુયોગ કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે જ આ મેચનું આયોજન કરાયું હતું. આ પ્રકારની મિત્રતાપૂર્ણ મેચમાં વિજય પરાજયનું મહત્વ હોતું નથી પરંતુ આપણે કેવી રીતે રમીએ છીએ તે મહત્વનું છે. આ પ્રકારના આયોજનોમાં આનંદની સાથે સાથે એકબીજાની સાથે મળવાની અને સમજણ કેળવવાની તકો પ્રાપ્ત થાય છે.
મેચમાં 43 રન સાથે અણનમ રહેનાર સુજિત ઘોષને મેન ઓફ ધ મેચ જાહેર કરાયા હતા. બોલર ઓફ ધ મેચ જાહેર કરાયેલા હાઇ કમિશનની ટીમના પ્રદીપ રાવતે ચાર ઓવરમાં 22 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. FICCI ઇલેવનના આદિત્ય રાઠોડને બેટ્સમેન ઓફ મેચ જાહેર કરાયા હતા. HCI અને FICCI હવે દર વર્ષે આ પ્રકારની મેચનું આયોજન કરશે અને રોટેટિંગ ટ્રોફી સામેલ કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter