નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ૧૫મી ઓગસ્ટે અચાનક જ નિવૃત્તિ જાહેર કરનાર ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પત્ર લખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત પત્ર પાઠવીને સારા ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. મોદીએ લખ્યું હતું કે ક્રિકેટમાંથી આપના નિવૃત્ત થવાથી ૧૩૦ કરોડ ભારતીયો નિરાશ છે. જોકે ક્રિકેટમાં અલગ ઓળખ જમાવીને, આગવું યોગદાન આપીને દેશનું નામ રોશન કરવા માટે સમગ્ર દેશ આપનો આભારી છે. મોદીએ પત્રમાં ધોનીની વિનમ્રતા, હેરસ્ટાઇલ, હાર-જીત વખતે ઠંડું દિમાગ અને પુત્રીની સંભાળની પ્રશંસા કરી હતી.
આપનામાં નવું ભારત
વડા પ્રધાન મોદીએ લખ્યું હતું કે આપનામાં નવા ભારતનો આત્મા ઝળકે છે. જ્યાં યુવાનોનું ભવિષ્ય તેમના પરિવારની ઓળખ કે નામ દ્વારા નક્કી નથી થતું પણ યુવાનો જાતે તેમની કરિયર અને નામ હાંસલ કરે છે.
૧૫મી ઓગસ્ટે આપે સીધા સાદા અંદાજમાં નાનો વીડિયો જાહેર કર્યો હતો, જે આખા દેશમાં એક લાંબી ચર્ચા માટે પૂરતો હતો. છેલ્લા દોઢ દાયકામાં આપે ભારત માટે જે કંઈ કર્યું તેનાથી આપના સૌ આભારી પણ છે.
આર્મી પ્રત્યે લગાવની પ્રશંસા
મોદીએ લખ્યું હતું કે હું સેના સાથે આપના વિશેષ લગાવનો ખાસ ઉલ્લેખ કરવા માગું છું. સેના સાથે રહેવામાં આપ આનંદ અને પ્રસન્નતા અનુભવો છો. તેમનાં કલ્યાણ માટે આપની ચિંતા પ્રશંસાને પાત્ર છે.
સાક્ષી - જીવાને પણ યાદ કર્યા
મોદીએ પત્રમાં લખ્યું હતું કે હવે સાક્ષી અને જીવાની સાથે આપ વધુ સમય વિતાવી શકશો. હું તેમને પણ શુભેચ્છાઓ પાઠવું છું કે તેમનાં બલિદાન અને સપોર્ટ વિના કશું સંભવ ન હતું. અંગત જીવન અને વ્યવસાયને કેવી રીતે અલગ રાખી શકાય તે આપણા યુવાનો આપની પાસેથી શીખી શકશે. મને યાદ છે કે આપ પુત્રીને રમાડી રહ્યા હતા અને આજુબાજુ સૌ આનંદ મેળવી રહ્યા હતા. આ મહેન્દ્ર સિંહ ધોનીની આગવી ઓળખ છે.
સર્વશ્રેષ્ઠ કેપ્ટન - બેટ્સમેન - વિકેટકીપર
આપની કરિયરને નજીકથી મૂલવવાનો એક ઉપાય ક્રિકેટ કરિયરમાં આપે રચેલા રેકોર્ડનાં આંકડાઓ છે. આપ ભારતીય ક્રિકેટમાં સફળ કેપ્ટન પૈકી એક છો. ક્રિકેટનાં ઇતિહાસમાં આપનું નામ વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં, સર્વશ્રેષ્ઠ કેપ્ટનોમાં અને સર્વશ્રેષ્ઠ વિકેટકીપર્સમાં છે. ૨૦૧૧નાં વર્લ્ડ કપની ફાઇનલ વર્ષો સુધી લોકોને યાદ રહેશે. એક નાના શહેરમાંથી આપ રાષ્ટ્રીય સ્તરે છવાઈ ગયા છો. આપનું નામ બનાવીને દેશને ગૌરવ અપાવ્યું છે.
ધોનીએ ટ્વિટ કરીને આભાર માન્યો
ધોનીએ વડા પ્રધાનનો આ પત્ર જાહેર કરતાં ટ્વિટર પર લખ્યું હતુંઃ એક કલાકાર, સૈનિક અને ખેલાડીને તેના પ્રદાનની પ્રશંસા થાય તેવી મહેચ્છા હોય છે. તેઓ એવું ઇચ્છતા હોય છે કે તેમની મહેનત અને બલિદાનને સૌ ઓળખે. વડા પ્રધાન દ્વારા કરવામાં આવેલી પ્રશંસા માટે આપનો આભાર.