લંડનઃ મોઇન અલીએ ઝડપેલી છ વિકેટની મદદથી ઇંગ્લેન્ડે લોર્ડસમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને ૨૧૧ રનથી હરાવ્યું છે. આ સાથે જ તેણે ચાર મેચની શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી છે. ઇંગ્લેન્ડનો બીજો દાવ ૨૩૩ રનના સ્કોરે સમેટાયો હતો. આફ્રિકાને મેચ જીતવા ૩૧૧ રન કરવાના હતા, પરંતુ બીજો દાવ ૩૬.૪ ઓવરમાં ૧૧૯ રનના સ્કોરે સમેટાયો હતો. ટાર્ગેટ ચેઝ કરવા મેદાને પડેલી આફ્રિકન ટીમે ૬૪ રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી.
મોઇન અલીએ મેચમાં અડધી સદી ફટકારવાની સાથે સાથે કુલ ૧૦ વિકેટની સિદ્ધિ મેળવી હતી. છેલ્લે ઇયાન બોથમે ૧૯૮૦માં વાનખેડે ખાતે ભારત સામે આ સિદ્ધિ મેળવી હતી.
ઇંગ્લેન્ડના બીજા દાવમાં મુખ્ય યોગદાન ભૂતપૂર્વ સુકાની એલિસ્ટર કૂકના ૬૯ રનનું હતું. જેનિંગ્સે ૩૩ તથા બેલેન્સે ૩૪ રન કર્યા બાદ બેરિસ્ટોએ ૫૧ રન કર્યા હતા.