કરાચીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ સોમવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ૨૧ વર્ષની કેરિયર દરમિયાન તે ક્યારેક શાનદાર રમતના કારણે તો ક્યારેક વિવાદોને કારણે ચર્ચામાં રહ્યો છે. આ પહેલાં તેણે ટેસ્ટ અને વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. આ જાહેરાત કરતાં હતું કે હવે તે ફ્રીલાન્સ ક્રિકેટર બનીને દુનિયાભરની અલગ અલગ ક્રિકેટ લીગમાં રમીને રમતનો આનંદ ઉઠાવવા માગે છે.
ગયા વર્ષે એશિયા કપ અને ટી૨૦ વર્લ્ડ કપમાં તેણે પાકિસ્તાનની ટીમનું નેતૃત્વ કર્યું હતું, પરંતુ ટીમનાં નિરાશાજનક પ્રદર્શન બાદ તેણે કેપ્ટનશિપ છોડી દીધી હતી. આ પછી તેના પર નિવૃત્તિ લેવાનું સતત દબાણ વધી રહ્યું હતું. તેની વિદાય મેચને લઈ પીસીબી અને આફ્રિદી વચ્ચે અગાઉ પણ મતભેદ સર્જાયા હતા.
‘બૂમ બૂમ આફ્રિદી’ના નામથી મશહૂર આફ્રિદીએ ૧૯૯૬માં શ્રીલંકા સામે રમી વન-ડે ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને બીજી વન-ડેમાં ફાસ્ટેસ્ટ સદી ફટકારી વિશ્વરેકોર્ડ સર્જયો હતો. ૧૯૯૮માં ઓસ્ટ્રેલિયા સામે રમીને ટેસ્ટમાં પદાર્પણ કર્યું હતું. પ્રથમ ટેસ્ટમાં બાવન રન આપી પાંચ વિકેટ ઝડપી શરૂઆત કરી હતી. સમગ્ર કેરિયર દરમિયાન આફ્રિદીએ વન-ડેમાં ૩૯૮ મેચમાં ૨૩.૫૭ની એવરેજથી ૮,૦૬૪ રન ૧૧૭ના સ્ટ્રાઇક રેટથી કર્યા હતા. જેમાં ૬ સદી અને ૩૯ અર્ધ સદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લેગ સ્પિનર તરીકે ૩૯૫ વિકેટ ઝડપી હતી.