કરાચીઃ પાકિસ્તાન ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને એક સમયના આક્રમક બેટ્સમેન શાહિદ આફ્રિદીના નામે એક અણમગતો રેકોર્ડ નોંધાયો છે. આફ્રિદીએ ઇન્ટરનેશનલ તથા લીગ ક્રિકેટમાં કુલ મળીને ૧૦૦ વખત શૂન્યમાં આઉટ થવાનો વિક્રમ પોતાના નામે નોંધાવ્યો છે.
બાંગ્લાદેશ પ્રિમિયર લીગ (બીપીએલ)માં રમી રહેલો શાહિદ આફ્રિદી ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો તે સાથે જ તેના નામે અણગમતો રેકોર્ડ નોંધાઇ ગયો હતો.
ક્રિકેટચાહકોમાં લાલાના નામે જાણીતો આફ્રિદી વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૩૦, ટેસ્ટમાં છ તથા ટી-૨૦માં આઠ વખત શૂન્ય રને આઉટ થયો છે. બાકીના ૫૬ વખત તે ફર્સ્ટ કલાસ, લિસ્ટ-એ તથા ટ્વેન્ટી૨૦ લીગ મેચમાં શૂન્યમાં આઉટ થયો છે.
ઉલ્લેખનીય છે કે વન-ડે ક્રિકેટમાં શૂન્યમાં આઉટ થવાનો રેકોર્ડ શ્રીલંકાના સનથ જયસૂર્યાના નામે છે, જે ૩૪ વખત આ રીતે આઉટ થયો છે. આફ્રિદી અને જયસુર્યા બંને ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કરી ચૂક્યા છે.