દુબઈઃ ટીમ ઇંડિયાના સ્ટાર ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા જાહેર કરાયેલી ટેસ્ટ રેન્કિંગ યાદીમાં પાકિસ્તાનના યાસિર શાહને પાછળ રાખીને નંબર વનનું સ્થાન મેળવ્યું છે. ગયા સપ્તાહે જ નંબર વનનું સ્થાન મેળવનાર યાસિર શાહે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં માત્ર એક વિકેટ ઝડપી હતી, જેના કારણે તે પાંચમા સ્થાને ધકેલાઈ ગયો છે. આ યાદીમાં જેમ્સ એન્ડરસન એક સ્થાનના ફાયદા સાથે બીજા જ્યારે સ્ટુઅર્ટ બ્રોડ ત્રીજા સ્થાને છે. સાઉથ આફ્રિકાનો ઝડપી બોલર ડેલ સ્ટેન ચોથા સ્થાને છે.
વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગમાં સાત વિકેટ ઝડપી ભારતને ભવ્ય વિજય અપાવનાર અશ્વિને વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં ૧૧૩ રન કર્યા. આથી બેટિંગ રેન્કિંગમાં પણ તેને ત્રણ સ્થાનનો ફાયદો થયો છે અને તે ૪૫મા ક્રમે પહોંચ્યો છે. આ સાથે જ તેણે ઓલરાઉન્ડરની યાદીમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. અશ્વિન આ પહેલાં વર્ષ ૨૦૧૫ના અંતમાં પણ ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બન્યો હતો.
યાસિર શાહે યજમાન ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ૧૦ વિકેટ ઝડપી હતી, જેના કારણે એન્ડરસનને પાછળ છોડી નંબર વન બન્યો હતો. જોકે માન્ચેસ્ટરમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં યાસિર શાહ ઘણો ખર્ચાળ સાબિત થયો હતો અને તે માત્ર એક જ વિકેટ મેળવી શક્યો હતો. આથી ચાર સ્થાન નીચે ઉતરીને પાંચમા ક્રમાંકે ધકેલાઈ ગયો છે.
આઈસીસી દ્વારા જારી કરાયેલા ટેસ્ટ રેન્કિંગમાં બોલર્સમાં ટોચના પાંચ ખેલાડીઓમાં ફેરફાર જોવા મળ્યો છે, જ્યારે છથી ૧૦ નંબરની રેન્ક ધરાવતા ખેલાડીઓમાં કોઈ બદલાવ થયો નથી. ભારતના અન્ય બોલરોમાં ઉમેશ યાદવ છ સ્થાનના ફાયદા સાથે ૨૪મા ક્રમે છે જ્યારે મોહમ્મદ શમી ૨૮મા સ્થાને છે. વહાબ રિયાઝ પાંચ સ્થાનના ફાયદા સાથે ૩૩મા ક્રમે પહોંચી ગયો છે.
બેટ્સમેનો માટે જાહેર કરાયેલી રેન્કિંગમાં ઇંગ્લેન્ડનો બેટ્સમેન જો રુટ બે સ્થાનના ફાયદા સાથે બીજા નંબરે પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવન સ્મિથ નંબર વનના સ્થાને યથાવત્ છે. ત્રીજા નંબરે કેન વિલિયમ્સન છે જ્યારે ચોથા નંબરે હાશિમ અમલા છે. વોર્નર અને મિસ્બાહ ઉલ હક એક-એક સ્થાનના ફાયદા સાથે ક્રમશઃ સાતમા અને આઠમા ક્રમે છે જ્યારે એલેસ્ટર કૂક ચાર સ્થાનના ફાયદા સાથે નવમા ક્રમે પહોંચી ગયો છે. પાકિસ્તાનના અનુભવી ખેલાડી યુનુસ ખાન ચાર સ્થાનના નુકસાન સાથે ૧૦મા ક્રમે ધકેલાયો છે.
વિરાટ કોહલીએ એન્ટિગુઆ ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હતી જેને કારણે બે સ્થાનનો ફાયદો થયો છે અને તે ૧૨મા ક્રમે છે. ચેતેશ્વર પૂજારા એક સ્થાનના ફાયદા સાથે ૧૮મા ક્રમે છે. શિખર ધવનને પણ ચાર સ્થાનનો ફાયદો થયો છે અને તે ૩૦મા સ્થાને છે.