નવી દિલ્હી: કતારમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપના મુકાબલામાં આર્જેન્ટીના સામે ફ્રાન્સના પરાજય બાદ ફ્રાન્સના પેરિસ, લ્યોન અને નીસ સહિત ઘણા શહેરોમાં તોફાનો ફાટી નીકળ્યા હોવાના અહેવાલો છે. અસંખ્ય સોશિયલ મીડિયા યૂઝર્સે વિવિધ પ્લેટફોર્મ પર વીડિયો શેર કર્યા છે જેમાં જાહેર સંપત્તિની તોડફોડ, પોલીસ કાર્યવાહી અને અફરાતફરીનો માહોલ જોવા મળે છે. એક યૂઝરે ટ્વિટ કર્યું હતું કે ફ્રાન્સના લ્યોનની સડકો પર તોફાનો ફાટી નીકળતાં જ લોકો પોતાની કારમાં ભાગવા લાગ્યા હતાં. વાસ્તવમાં આ ઘટના દુ:ખદ, ખોટી અને અસ્વીકાર્ય છે. લાગે છે કે દુનિયા પાગલ થઈ ગઈ છે. એક યૂઝરે લખ્યું છે કે વિશ્વ કપની ફાઇનલમાં રાષ્ટ્રીય ટીમની હાર બાદ ફ્રાન્સમાં હિંસક તોફાનો થયાં.
ટિયરગેસ અને પાણીનો મારો
અહેવાલો અનુસાર ફ્રાન્સમાં ફાઇનલ મુકાબલાના પ્રસારણ માટે જાહેર સ્થળો પર સ્ક્રીન લગાવવાનો પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. તેના પરિણામે લોકો મેચ જોવા માટે રેસ્ટોરન્ટ્સ અને બાર જેવા સ્થાનો પર મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. અહેવાલો અનુસાર ફ્રાન્સના પરાજય બાદ ચાહકો ભડકી ગયા હતાં અને હિંસક બન્યા હતાં. લ્યોન શહેરમાં તોફાનીઓ પર કાબૂ મેળવવા માટે પોલીસે ટિયરગેસના શેલ છોડ્યા હતાં અને કેટલાક સ્થાનો પર લોકો પર વોટર કેનનથી પાણીનો મારો કરવામાં આવ્યો હતો. લ્યોન શહેરમાં પોલીસે ડઝનબંધ લોકોની ધરપકડ કરી લીધી છે. એક વીડિયો અનુસાર ફ્રન્સના નીસ શહેરમાં પણ તોફાનો બાદ નાસભાગ મચી ગઈ હતી.
લોખંડી બંદોબસ્ત છતાં હિંસા
પેરિસના પ્રસિદ્ધ ચેપ્સ-એલિસિસ ખાતે તોફાનો થયા હતા અને પોલીસે કડક કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. અહેવાલો અનુસાર તનાવપર્ણ મેચ બાદ ફ્રન્સના પરાજયથી નિરાશ લોકોએ ફલેયર્સ સળગાવ્યા હતાં. પેરિસમાં કોઈ અણછાજતો બનાવ ના બને તે માટે તંત્ર દ્વારા સમગ્ર શહેરમાં 14,000 પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતાં. નોંધનીય છે કે કતારમાં રમાયેલા ફિફા વિશ્વ કપ દરમિયાન યુરોપમાં અનેક સ્થાન પર હિંસાના અહેવાલો આવ્યા હતાં.