લંડન: વેસ્ટ હામ અને માન્ચેસ્ટર યુનાઈટેડ વચ્ચેની મેચ પૂર્વે સ્ટેડિયમ બહાર માન્ચેસ્ટરની ટીમ બસ પર વેસ્ટ હામના સમર્થકોએ કેન્સ અને બોટલોથી હુમલા કરતા બસની બારીના કાચ તૂટી ગયા હતા. અશાંત માહોલના કારણે ઈંગ્લિશ પ્રિમિયર લીગ (ઇપીએલ)ની આ મેચ લગભગ મોડી શરૂ થઇ હતી. વેસ્ટ હામના સમર્થકોનો હુમલો માત્ર બસ સુધી સીમિત રહ્યો ન હતો, પરંતુ મેદાન પર પણ યુનાઈટેડના ગોલકીપર ડેવિડ ડે જીય પર બોટલ પણ ફેંકાઇ હતી.
બુધવારે બોલિયન ગ્રાઉન્ડ પર છેલ્લી મેચ માટે રમત શરૂ થવાના કલાક પૂર્વે માન્ચેસ્ટર યુનાઈટેડની ટીમ સ્ટેડિયમ નજીક પહોંચી અને કેપ્ટન વાયને રૂની બસમાંથી ઊતર્યો કે વેસ્ટ હામના સમર્થકોએ બસ પર હુમલો કર્યો હતો. હુમલામાં બારીના કાચ તૂટી ગયા હતા. મેટ્રોપોલિટન પોલીસના અનુસાર આ ઘટનામાં એક પોલીસ અને એક નાગરિકને સામાન્ય ઈજા થઈ હતી. જોકે આ ઘટનામાં કોઈની પણ ધરપકડ કરાઈ નથી.
વેસ્ટ હામના સમર્થકોના આ કૃત્યને લઈને માન્ચેસ્ટરની ટીમ મેદાન પર મેચ શરૂ થવાના માત્ર ૩૫ મિનિટ પહેલા પહોંચી હતી. માન્ચેસ્ટર યુનાઈટેડની વિનંતીના પગલે મેચ ૪૫ મિનિટ મોડી શરૂ કરાઇ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે માન્ચેસ્ટર ક્લબના સેક્રેટરી રેફરીના રૂમમાં ગયા હતા અને મેચને મોડી શરૂ કરવા કહ્યું હતું કે જેથી મેચ પહેલાની સામાન્ય તૈયારી માટે ટીમને પૂરતો સમય મળી રહે.
વેસ્ટ હામે માફી માગી
વેસ્ટ હામના કો-ચેરમેન ડેવિડ સુલિવાને માન્ચેસ્ટર યુનાઈટેડની તેમની ટીમ બસ પર થયેલા હુમલા માટે માફી માગી હતી. બોલિયન સ્ટેડિયમ પરની છેલ્લી મેચ પહેલા મેદાનથી અડધો કિલોમીટર દૂર બસ પર બોટલ અને કેન્સ ફેંકાયા હતા. તેમણે ઘટનાની નિંદા કરતા કહ્યું કે ૧૧૨ વર્ષ જૂના બોલિયન ગ્રાઉન્ડની વિદાય મેચમાં અમે ઊજવણી માટે અનેક પૂર્વ ખેલાડીને બોલાવ્યા હતા. જોકે લોકોના એક નાનકડા જૂથની કરતૂત કમનસીબ હતી. વેસ્ટ હામ યુનાઈટેડ હુમલા માટેના જવાબદારો પર આજીવન પ્રતિબંધ લાદવા પ્રતિબદ્ધ છે.
માન્ચેસ્ટર યુનાઇટેડનો પરાજય
વિવાદ વચ્ચે રમાયેલી મેચમાં વેસ્ટ હામ યુનાઇટેડે માન્ચેસ્ટર યુનાઇટેડ ફૂટબોલ ક્લબને ઇપીએલના આ મુકાબલામાં ૩-૨થી પરાજય આપ્યો હતો. આ સાથે જ માન્ચેસ્ટર યુનાઇટેડની ચેમ્પિયન્સ લીગની આશા રોળાઇ ગઇ છે. મેચના પ્રારંભથી જ વેસ્ટ હામે માન્ચેસ્ટર પર આક્રમણ શરૂ કરી દીધા હતા. મેચની દસમી મિનિટે જ ડીઆફ્રા સાખોએ ગોલ કરીને વેસ્ટ હામ ટીમને લીડ અપાવી હતી. જોકે ત્યાર બાદ માન્ચેસ્ટર ગોલ કરવાના ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેઓ સફળ થયા નહોતા.
બીજા હાફની ૫૧મી મિનિટે માન્ચેસ્ટર યુનાઇટેડ માટે માર્ટિયલે ગોલ કરીને ટીમને ૧-૧થી બરાબરી અપાવી હતી. તેણે ત્યાર બાદ ૨૦ મિનિટ પછી જ બીજો ગોલ કરીને ટીમને ૨-૧થી લીડ અપાવી દીધી હતી. જોકે તેની ચાર મિનિટ બાદ મેચની ૭૬મી મિનિટે વેસ્ટ હામ માટે એન્ટોનિયોએ ગોલ કરીને ટીમને મેચમાં બરાબરી અપાવી હતી. મેચની ૮૦મી મિનિટે વેસ્ટ હામને ગોલ કરવાની ફરીથી એક તક મળી હતી. જેને રેઇડે ગોલમાં ફેરવતાં ટીમને ૩-૨થી લીડ અપાવી હતી. જે અંત સુધી કાયમ રહી હતી.