લંડનઃ ઈંગ્લેન્ડની વિમેન્સ ફૂટબોલ ટીમે ઇતિહાસ રચ્યો છે અને પ્રથમ વખત યુઇએફએ વિમેન્સ યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતી લીધું છે. યૂરો 2022ના નામથી જાણીતી આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં ઇંગ્લેન્ડે આઠ વખતની ચેમ્પિયન જર્મનીની ટીમે એક્સ્ટ્રા ટાઇમમાં 2-1થી પરાજય આપ્યો હતો અને આ ટાઇટલ જીતનાર ચોથી યજમાન ટીમ બની ગઈ છે.
આ પહેલાં નોર્વેએ 1987માં, જર્મનીએ 1989 તથા 2001 અને નેધરલેન્ડ્સે 2017માં યજમાન દેશ તરીકે ટ્રોફી જીતી હતી. વિક્રમી 87 હજાર કરતાં વધારે પ્રેક્ષકોની હાજરીમાં આ ફાઇનલ રમાઇ હતી અને આ સંખ્યાએ નવો રેકોર્ડ પણ સર્જ્યો હતો. પ્રથમ હાફમાં એક પણ ગોલ થયો નહોતો અને બન્ને ટીમની ડિફેન્સ હરોળે શાનદાર દેખાવ કર્યો હતો.
પરાજયનું મ્હેણું ભાંગ્યું
નારીશક્તિએ ઈંગ્લેન્ડ ઉપરનું મ્હેણું ભાંગતાં જર્મની સામે એક્સ્ટ્રા ટાઈમમાં ગોલ કરીને યુરો ચેમ્પિયનશિપ જીતી છે. ઈંગ્લેન્ડની ક્લો કેલીએ નિર્ણાયક ગોલ ફટકારીને ઈંગ્લેન્ડને ચેમ્પિયન બનાવ્યું હતું. વેમ્બલી સ્ટેડિયમમાં મેન્સ ફૂટબોલ ટીમ ગત વર્ષે યુરો કપની ફાઈનલમાં 1-0થી આગળ રહ્યા બાદ ઈટાલી સામે પેનલ્ટી શૂટઆઉટમાં તેનો પરાજય થતાં તે ચેમ્પિયનના ટાઈટલથી વંચિત રહી હતી. જોકે રવિવારે આ જ મેદાનમાં વિમેન્સ ટીમે ઈતિહાસ રચ્યો હતો. બીજા હાફની 62મી મિનિટે એલ્લા ટૂને ગોલ કરીને ઇંગ્લેન્ડને 1-0થી આગળ કરી દીધું હતું. મેચની 79મી મિનિટે લીના મિગુલે ગોલ કરીને સ્કોર 1-1થી સરભર કર્યો હતો. ઇંગ્લેન્ડના વિજયમાં સ્ટાર બનેલી ક્લોઇ કેલીએ એક્સ્ટ્રા ટાઇમમાં ઇંગ્લેન્ડને 2-1થી આગળ કરી દીધું હતું. કેલી સબસ્ટિટયૂટ તરીકે મેદાનમાં આવી હતી અને એક્સ્ટ્રા ટાઇમના બીજા તબક્કામાં તેણે બોલ જર્મનીના ગોલપોસ્ટમાં નાખી દીધો હતો.
110મી મિનિટે નિર્ણાયક ગોલ
કેલીએ 110મી મિનિટમાં ગોલ ફટકાર્યો હતો જે નિર્ણાયક સાબિત થયો હતો. મેચ એક્સ્ટ્રા ટાઈમ સુધી લંબાઈ હોવાથી ઈંગ્લેન્ડની ટીમની ખેલાડીઓ થાક અનુભવી રહી હતી અને તેમને જર્મનીના ફ્રેશ સબસ્ટિટ્યૂટ ખેલાડીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. નિર્ધારિત 90 મિનિટની રમત બાદ બન્ને ટીમો 1-1 ગોલની બરોબરી પર હતી. ઈંગ્લેન્ડ તરફથી ટૂને 62મી મિનિટે ગોલ કર્યો હતો જ્યારે જર્મનીની લિના મોગુલે 79મી મિનિટે ઈક્વલાઈઝર ફટકાર્યો હતો. એક્સ્ટ્રા ટાઈમના બીજા હાફમાં 110મી મિનિટે ક્લો કેલીએ જર્મનીની ગોલકીપર દ્વારા કરાયેલા ઢીલા પ્રયાસનો લાભ લેતા બોલને ગોલ પોસ્ટમાં ધકેલી દીધો હતો.
આ તો સપનાં સમાનઃ કેલી
ઈંગ્લેન્ડની મહિલા ફૂટબોલ ટીમે યુરો ચેમ્પિયનનું ટાઈટલ જીત્યા બાદ કેલીએ જણાવ્યું કે, હું હંમેશા માનતી હતી કે હું એક દિવસ જરૂર અહીં ફાઈનલમાં રમીશ, પરંતુ નિર્ણાયક ગોલ ફટકારવો તે સ્વપ્ન સમાન છે. વેમ્બલી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને જર્મની વચ્ચે ફાઈનલ મેચ જોવા માટે રેકોર્ડ 87 હજારથી વધુ દર્શકો હાજર રહ્યા હતા.
પરાજયનો હિસાબ સરભર
ઇંગ્લેન્ડે આ સાથે 2009ની ફાઇનલમાં જર્મનીએ આપેલા પરાજયનો હિસાબ પણ સરભર કરી દીધો હતો. ઇંગ્લેન્ડની કોચ સરીના વિગમેન માટે પણ આ ફાઇનલ વિશેષ હતી કારણ કે તેના માર્ગદર્શન હેઠળ નેધરલેન્ડ્સે 2017માં ટાઇટલ જીત્યું હતું.
56 વર્ષ બાદ ટાઇટલ ચેમ્પિયન
અગાઉ 1966માં ઈંગ્લેન્ડની મેન્સ ટીમે જર્મની સામે વર્લ્ડ કપ ટાઈટલ જીત્યું હતું. ત્યારબાદ 56 વર્ષ પછી ઈંગ્લેન્ડની મહિલા ટીમે આ પ્રમુખ ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ઈંગ્લેન્ડનાં નામદાર ક્વીન એલિઝાબેથ દ્વિતિયે આ જીત બદલ ઈંગ્લેન્ડની વિમેન્સ ફૂટબોલ ટીમને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
તેમણે જણાવ્યું કે, ઈંગ્લેન્ડની ટીમ છોકરીઓ અને મહિલાઓની વર્તમાન પેઢી તેમજ ભાવિ પેઢી માટે પ્રેરણારૂપ છે. જર્મનીની ટીમનો નવ વખત યુરોપીયન ફાઈનલમાં આ સૌપ્રથમ પરાજય રહ્યો હતો.