લંડનઃ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ અને કાઉન્ટી કલબ નોટિંગહામશાયરના ઓપનર માઇકલ લંબે ક્રિકેટને અલવિદા કર્યું છે. ૩૭ વર્ષીય માઇકલ લંબ ઘૂંટણની ઈજાથી પરેશાન હોવાથી તેણે આ નિર્ણય કર્યો હતો. લંબે કહ્યું હતું કે, નિવૃત્તિ જાહેર કરતાં મને ઘણી નિરાશા થઈ છે. મેડિકલ રિપોર્ટ મુજબ મારા ઘુંટણની ઈજા ઘણી ગંભીર છે. જેને કારણે મને લાગી રહ્યું છે કે હું હવે આગમી સમયમાં ક્રિકેટ નહીં રમી શકું. આથી મેં નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. મને ગર્વ છે કે, હું ઇંગ્લેન્ડ ક્રિકેટ સાથે જોડાયો હતો. હું ટીમના તમામ સાથી ખેલાડીઓનો આભાર માનું છું જેણે મને ઘણો સાથ આપ્યો હતો.
માઈકલ લંબનો ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. તેણે ૨૧૦ મેચમાં ૨૧ સદી અને ૫૮ અર્ધી સદીની મદદથી ૧૧,૪૪૩ રન બનાવ્યા છે. લિસ્ટ-એમાં તેણે ૨૨૧ મેચમાં ૬,૬૨૩ રન બનાવ્યા છે. જેમાં આઠ સદી અને ૪૪ અર્ધી સદી સામેલ છે. લંબ ઇંગ્લેડની નેશનલ ટીમ તરફી ત્રણ વન-ડે અને ૨૭ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચ રમ્યો છે. જેમાં તેણે ક્રમશઃ ૧૬૫ અને ૫૫૨ રન બનાવ્યા છે.