દુબઈઃ સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનિંગ બેટ્સમેન જોની બેરિસ્ટો અને પંજાબ કિંગ્સના બેટ્સમેન ડેવિડ મલાને વ્યક્તિગત કારણોનો હવાલો આપીને આઇપીએલ પાર્ટ-૨માંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. આ સાથે ઇંગ્લેન્ડનો અન્ય એક ખેલાડી દિલ્હી કેપિટલન્સનો ક્રિસ વોકિસ પણ બીસીસીઆઇ લીગમાંથી ખસી ગયો છે. ઇંગ્લેન્ડ અને ભારતના ખેલાડીઓએ પોતપોતાની ફ્રેન્ચાઇઝી સાથે જોડાવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટમાં બબલ ટૂ બબલ ટ્રાન્સફર થવાનું હતું. દુબઇમાં બ્રિટનથી આવનાર તમામ ખેલાડીઓએ છ દિવસનો ક્વોરેન્ટાઇન સમય પૂરો કરવાનો હોવાથી બેરિસ્ટો અને મલાને લીગ પડતી મૂક્યાનું મનાય છે. બોર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે આ ત્રણેય ખેલાડી ૧૯મી સપ્ટેમ્બરથી ફરી શરૂ થનારી આઇપીએલમાં રમશે નહીં. બેરિસ્ટો અને મલાન માન્ચેસ્ટર ખાતે રદ થયેલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમના સભ્ય હતા. પંજાબ કિંગ્સે મલાનના સ્થાને સાઉથ આફ્રિકાના એડન માર્કરામને ટીમમાં સ્થાન આપ્યું છે.