લંડનઃ ક્રિકેટ ઇતિહાસના પાનામાં નોંધાઇ ચૂકેલા ઇંગ્લેન્ડના બોલર માલ્કમ નૈશનું ૭૪ વર્ષની વયે નિધન થયું છે. જોકે તેમને એવા પ્રદર્શન માટે યાદ કરાય છે, જેને કોઇ પણ બોલર યાદ રાખવાનું પસંદ કરશે નહીં. માલ્કમ નૈશ તે બોલર છે, જેમની એક ઓવરમાં ૧૯૬૮માં વેસ્ટ ઇન્ડિઝના મહાન ખેલાડી ગેરી સોબર્સે ૬ સિક્સ ફટકારી હતી. એટલું જ નહીં, માલ્કમ નૈશની એક ઓવરમાં કાઉન્ટી ટીમ લેન્કેશાયરના બેટ્સમેન ફ્રેંક હેસે પણ પાંચ સિક્સ અને એક ફોર ફટકારી હતી.
નવમી મે ૧૯૪૫ના રોજ જન્મેલા અને ગ્લૈમોર્ગન માટે કાઉંટી ક્રિકેટ રમનાર માલ્કમ નૈશ લંડનમાં ડિનર કર્યા બાદ પડી ગયા હતા. તરત જ તેમને હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. નૈશને મધ્યમ ગતિના એવા બોલર તરીકે ઓળખવામાં આવે છે, જેમની પાસે કમાલની વિવિધતા હતી. તેમણે ૧૯૬૬થી લઇને ૧૯૮૩ની વચ્ચે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની ૧૭ સીઝન રમી હતી.