લંડનઃ ઇંગ્લેન્ડના વિકેટકીપર મેટ પ્રાયરને ઇજાના કારણે ૩૩ વર્ષની વયે ક્રિકેટની તમામ ફોર્મેટને અલવિદા કરવાની ફરજ પડી છે. તબીબોની સલાહ બાદ પ્રાયરે આ કપરો નિર્ણય લીધો હતો. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઇસીબી) જણાવ્યું હતું કે ત્રણ વખતની એશિઝ વિજેતા ટીમ તથા ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન રહેલી ટીમમાં સામેલ પ્રાયરને 'એન્જિન રૂમ' તરીકે ઓળખવામાં આવતો હતો.
તે ગયા વર્ષથી પગની ઇજાથી પીડાનો સામનો કરી રહ્યો હતો અને તબીબોની સલાહ બાદ તેણે રમતને અલવિદા કરવાનો નિર્ણય લીધો હતો. પ્રાયરે જણાવ્યું હતું કે ‘મારા જીવનનો આ સૌથી કપરો દિવસ છે કારણ કે મારે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવી પડી રહી છે. હું રમતને મારા જીવનનો બીજો ભાગ ગણું છું અને આશા હતી કે હું સમયસર ફિટ થઇ જઇશ, પરંતુ તેવું થઇ શક્યું નથી. પ્રાયરે ૨૦૦૭માં વેસ્ટ ઇન્ડિઝ સામે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને ઇંગ્લેન્ડ તરફથી ૭૯ ટેસ્ટ મેચ રમી હતી. તેણે ૪૦૯૯ રન બનાવવા ઉપરાંત ૨૫૬ શિકાર પણ ઝડપ્યા હતા.
પ્રાયરે સાત ટેસ્ટ સદી ફટકારી હતી, પરંતુ તેને વન-ડે ફોર્મેટમાં વધારે સફળતા મળી નહોતી. તેણે ૬૮ વન-ડે તથા ૧૦ ટ્વેન્ટી૨૦ મેચો રમી હતી. પ્રાયરે ૨૪૯ ફર્સ્ટ ક્લાસ મેચોમાં ૩૯.૨૫ની સરેરાશથી ૧૩૨૨૮ રન કર્યા હતા.