લંડન તા. 2૨ઃ ઇંગ્લેન્ડે ભારત સામેની ટી20 અને વન-ડે સિરીઝ તેમજ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ જાહેર કરી દીધી છે. જો રૂટની વન-ડે ટીમમાં એક વર્ષ બાદ વાપસી થઈ છે. રૂટ ગયા વર્ષે ભારતમાં વર્લ્ડ કપમાં તેની છેલ્લી વન-ડે રમ્યો હતો. જોસ બટલરના સુકાનીપદ હેઠળ ઇંગ્લેન્ડની ટીમ ભારત પ્રવાસ દરમિયાન પાંચ ટી20 અને ત્રણ વન-ડે મેચ રમશે. ત્યાર બાદ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા મેદામનાં ઉતરશે.
ભારત-ઇંગ્લેન્ડ સિરીઝ 22 જાન્યુઆરીથી શરૂ થઈને 12 ફેબ્રુઆરી સુધી ચાલશે. જોકે ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને ટીમમાં સ્થાન મળ્યું નથી. તે તાજેતરમાં ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં હેમિલ્ટન ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. બીજી તરફ, પેસ બોલર માર્ક વુડની વન-ડે અને ટી20 ટીમમાં વાપસી થઇ છે. તે જમણી કોણીના હાડકામાં ઈજાને કારણે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ ચૂકી ગયો હતો. આ ઉપરાંત 21 વર્ષના જેકબ બેથેલને બંને ટીમમાં સમાવાયો છે જ્યારે લેગ સ્પિનર રેહાન અહેમદને ટી20 ટીમમાં સ્થાન મળ્યું છે. રેહાન સિવાયના તમામ ખેલાડીઓ ભારત સામેની ટી20 અને વન-ડે બંને સિરીઝમાં રમશે.
ટીમ ઇંગ્લેન્ડઃ જોસ બટલર (કેપ્ટન), જોફ્રા આર્ચર, એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બૂક, બ્રાયડન કાર્સે, બેન ડકેટ, જેમી ઓવરટન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રાશિદ, જો રૂટ, સાકિબ મહેમૂદ, ફિલ સોલ્ટ, માર્ક વુડ