લંડનઃ ઇંગ્લેન્ડના ઝડપી બોલર સ્ટીવન ફિન ઇજાને કારણે એશિઝ સિરીઝમાંથી નીકળી ગયા બાદ હવે ઝડપી બોલર જેક બોલને પણ ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવન સામેની ચાર દિવસીય મેચ દરમિયાન તેને ઇજા થઇ હતી. જેક બોલ વોર્મ-અપ મેચની ચોથી ઓવર દરમિયાન નીચે પડી જતાં તેને જમણા ઘૂંટણમાં ઇજા થઈ હતી. ઇજાને કારણે તે મેદાન પર જ પોતાનો પગ પકડી સૂઈ ગયો હતો. જેક બોલને તે પછી ઇંગ્લેન્ડના ફિઝિયો ક્રેગ વેયમેને મેદાનની બહાર લઈ જઈને સારવાર આપી હતી. જોકે, ઇંગ્લેન્ડ માટે એ બાબત સારી હતી કે, તે ચાલીને મેદાનની બહાર ગયો હતો. જેક બોલની ઇજા કેટલી ગંભીર છે તે અંગે હજુ જાણી શકાયું નથી.