મીરપુરઃ મહેંદી હસન મિરાઝની ઘાતક બોલિંગની મદદથી ઇંગ્લેન્ડને માત્ર ૧૬૪ રનમાં ઓલઆઉટ કરી બાંગ્લાદેશે બીજી ટેસ્ટ મેચ ૧૦૮ રને જીતી છે. આ વિજય સાથે બાંગ્લાદેશે બે મેચની સિરીઝ ૧-૧થી ડ્રો પણ કરી છે. બાંગ્લાદેશની ઇંગ્લેન્ડ સામે આ દસમી ટેસ્ટ મેચ હતી, જેમાં આ તેનો પ્રથમ વિજય છે. બાંગ્લાદેશે પ્રથમ દાવમાં ૨૨૦ રન કર્યા હતા, જવાબમાં ઇંગ્લેન્ડે ૨૪૪ રન કરીને ૨૪ રનની લીડ મેળવી હતી. બીજા દાવમાં બાંગ્લાદેશે ૨૯૬ રન કરતાં ઇંગ્લેન્ડને જીત માટે ૨૭૩ રન કરવાના હતા. જોકે તેનો દાવ ૧૬૪ રનમાં સમેટાયો હતો. એક તબક્કે ઈંગ્લેન્ડે વિના વિકેટે ૧૦૦ રન કર્યા બાદ તેનો ધબડકો થયો હતો.
બાંગ્લાદેશ તરફથી મહેંદી હસન મિરાઝે મેચની બંને ઇનિંગમાં છ-છ વિકેટ ઝડપી હતી. પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં પણ છ વિકેટ ઝડપી હતી જ્યારે બીજી ઇનિંગમાં એક વિકેટ મેળવી હતી. આમ, તેણે બે ટેસ્ટ મેચમાં કુલ ૧૯ વિકેટ ઝડપતાં મેન ઓફ ધ સિરીઝ જાહેર થયો હતો.