લંડનઃ ઇંગ્લેન્ડે ભારત સામે રમાનારી પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. ટીમમાં ૧૬ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં તાજેતરમાં બાંગ્લાદેશ પ્રવાસે ગયેલી ટીમના તમામ ખેલાડીઓને જાળવી રાખવામાં આવ્યા છે.
અલબત્ત, ઝડપી બોલર જેમ્સ એન્ડરસન પ્રવાસના પ્રારંભે રમી શકશે નહીં. તેને ખભામાં ઇજા પહોંચી છે જેમાંથી તે હજી સંપૂર્ણ સ્વસ્થ થયો નથી. એન્ડરસન બાંગ્લાદેશ સામેની બીજી મેચમાં પણ રમી શક્યો નહોતો અને હવે તે નવમી નવેમ્બરથી રાજકોટમાં શરૂ થનારી ટેસ્ટ પણ રમવાનો નથી. જોકે આ પછી બાકી રહેલી ટેસ્ટ મેચોમાં તે રમે તેવી પૂરતી શક્યતા છે.
જો એન્ડરસન ભારત સામેની ટેસ્ટ સિરિઝ ગુમાવશે તો ઇંગ્લિશ ટીમને મોટો ફટકો પડી શકે તેમ છે. તેણે ઇંગ્લેન્ડ માટે રેકોર્ડ ૪૭૩ વિકેટ ઝડપી છે.
ઇંગ્લેન્ડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડે અંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આશા છે કે તે ભારતમાં શ્રેણીની બાકીની ટેસ્ટ મેચમાં રમશે.
ઇંગ્લેન્ડની ટીમ ઝડપી બોલર માર્ક વૂડ વગર રમશે. તેને ઘૂંટણમાં ઇજા પહોંચી છે. સ્ટુઅર્ટ બ્રોડ, ક્રિસ વોકિસ, બેન સ્ટોક્સ, સ્ટીવન ફિન તથા જેક બોલ ટીમમાં ઝડપી બોલર છે.
ઇંગ્લેન્ડની ટીમ: એલિસ્ટર કૂક (કેપ્ટન), મોઇન અલી, જફર અન્સારી, જોની બેરિસ્ટો, જેક બોલ, ગેરી બેલેન્સ, ગારેથ બેટ્ટી, સ્ટુઅર્ટ બ્રોડ, જોશ બટલર, બેન ડકેટ્ટ, ફિન, હસીબ હમીદ, આદિલ રશીદ, જોઇ રુટ, બેન સ્ટોક્સ, ક્રિસ વોકિસ