ઓલ્ડ ટ્રેફર્ડઃ વન-ડે બાદ ઈંગ્લેન્ડે ટ્વેન્ટી૨૦ મેચમાં પણ ન્યૂ ઝીલેન્ડને હરાવ્યું છે. બુધવારે રમાયેલી આ મેચમાં, ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા મેન ઓફ મેચ જોઇ રુટના શાનદાર ૬૮ રન અને કારકિર્દીની પ્રથમ ઇન્ટરનેશનલ મેચ રમી રહેલા ડેવિડ વિલી તથા માર્ક વૂડે ઝડપેલી ત્રણ-ત્રણ વિકેટની મદદથી ઇંગ્લેન્ડે ૫૬ રને આ વિજય મેળવ્યો હતો.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ઇંગ્લેન્ડે સાત વિકેટે ૧૯૧ રન કર્યા હતા. ૧૯૨ રનના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરેલા ન્યૂ ઝીલેન્ડનો દાવ ૧૬.૨ ઓવરમાં ૧૩૫ રનમાં સમેટાઇ ગયો હતો. ન્યૂ ઝીલેન્ડ સામેના ટ્વેન્ટી૨૦ ઇતિહાસમાં ઇંગ્લેન્ડનો આ ત્રીજો સૌથી મોટો વિજય છે.
મુશ્કેલ લક્ષ્યાંક સામે મેદાને પડેલી ન્યૂ ઝીલેન્ડની ટીમ તરફથી વિલિયમ્સને ૩૭ બોલમાં આઠ બાઉન્ડ્રી વડે સર્વાધિક ૫૭ તથા કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમે ૧૫ બોલમાં ૩૫ રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝી લેન્ડના આઠ બેટ્સમેન બે આંકનો સ્કોર પણ નોંધાવી શક્યા નહોતા અને પ્રવાસી ટીમે તેની છેલ્લી પાંચ વિકેટ તો માત્ર ૧૨ બોલમાં ગુમાવી દીધી હતી.
વન-ડે શ્રેણીમાં ૩-૨થી વિજય મેળવીને ઉત્સાહિત થયેલી ઇંગ્લેન્ડની ટીમે આ મેચમાં ત્રણ નવા ચહેરાને અજમાવ્યા હતા અને ત્રણેયે પ્રભાવશાળી દેખાવ કર્યો હતો.