મુંબઈઃ વિશ્વભરના ક્રિકેટચાહકો જેની લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે તે આઇપીએલ-૧૦નું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. બુધવારે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં વર્તમાન ચેમ્પિયન સનરાઇઝર્સ હૈદરાબાદ અને રનર્સ અપ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ સાથે ટૂર્નામેન્ટનો પ્રારંભ થશે. ૪૭ દિવસની ટૂર્નામેન્ટ દરમિયાન કુલ આઠ ટીમો દિલ્હી ડેરડેવિલ્સ, ગુજરાત લાયન્સ, કિંગ્સ ઇલેવન પંજાબ, કોલકતા નાઇટ રાઇડર્સ, મુંબઇ ઇંડિયન્સ, રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ ભારતના ૧૦ શહેરોમાં મેચો રમશે.
પાંચ દિગ્ગજ ભારતીય ક્રિકેટરોનું સન્માન
આઇપીએલના ઉદ્ઘાટન સમારંભમાં ટી૨૦ ક્રિકેટ લીગની ગવર્નિંગ કાઉન્સિલ પાંચ ટોચના ક્રિકેટર સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ અને વીરેન્દ્ર સેહવાગનું સન્માન કરશે. વિશ્વની આ સૌથી ધનાઢ્ય લીગની કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવાયો હોવાનું લીગના ચેરમેન રાજીવ શુકલાએ જણાવ્યું હતું. શુકલાએ જણાવ્યું હતું કે ઉદ્ઘાટન સમારંભમાં આ મહાન ક્રિકેટરને સન્માનિત કરાશે, જેમાંથી ચાર તો ભારતીય ક્રિકેટ ટીમના સુકાની રહી ચૂક્યા છે. સચિન તેંડુલકર માત્ર ભારતનો જ નહીં પરંતુ વિશ્વનો સર્વકાલીન મહાન ક્રિકેટર છે તો ભારતીય ટીમને વિદેશમાં પણ સફળતા અપાવવાનો પ્રારંભ સૌરભ ગાંગુલીએ કર્યો હતો. રાહુલ દ્રવિડ ટેસ્ટ ક્રિકેટમાં મિ. વોલ તરીકે જાણીતો છે અને તેણે ૧૧ હજારથી વધારે રન નોંધાવ્યા છે. સચિન તેંડુલકર બાદ ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ રન દ્રવિડના નામે છે. તેણે ટેસ્ટ કારકિર્દીમાં ૨૧૦ કેચ ઝડપ્યા છે, જે વર્લ્ડ રેકોર્ડ છે.
સેહવાગે ભારત માટે બે ત્રેવડી સદી નોંધાવી છે. ડોન બ્રેડમેન, બ્રાયન લારા અને ક્રિસ ગેઇલ જ આ સિદ્ધિ નોંધાવી શક્યા છે. તેણે પાકિસ્તાન સામે મુલતાનમાં ૩૦૯ રન ફટકાર્યા બાદ ચેન્નઈ ખાતે સાઉથ આફ્રિકા સામે ૩૧૯ રન ફટકાર્યા હતા. લક્ષ્મણ ભારતનો આધારભૂત બેટ્સમેન હતો. તેણે ગાંગુલીની આગેવાનીમાં ૨૦૦૧માં કોલકાતા ખાતે ઓસ્ટ્રેલિયા સામે ૨૮૧ રન ફટકારીને ફોલોઓન બાદ ભારતને વિજય અપાવ્યો હતો. જોકે આ પાંચમાંથી એકમાત્ર લક્ષ્મણ જ ભારતીય ટીમની આગેવાની લઈ શક્યો ન હતો. ગવર્નિંગ કાઉન્સિલે આ પાંચ ઉપરાંત ટીમ ઇંડિયાના કોચ અનિલ કુંબલેનું સન્માન કરવાનો નિર્ણય કેમ લીધો નથી તે જાણવા મળતું નથી, પરંતુ ક્રિકેટચાહકોએ આ અંગે આશ્ચર્ય જરૂર વ્યક્ત કર્યું છે. ભારતના સુવર્ણયુગમાં આ પાંચની સાથે કુંબલેનું પણ પ્રમુખ યોગદાન હતું.
દરેક ટીમની સાત મેચ હોમ ગ્રાઉન્ડમાં
ટૂર્નામેન્ટ દરમિયાન પ્રત્યેક ટીમ તેની ૧૪ મેચમાંથી સાત મેચ પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમશે. કિંગ્સ ઈલેવન પંજાબે મોહાલી અને ઈન્દોરને પોતાનું હોમ ગ્રાઉન્ડ બનાવ્યું છે. જ્યારે ગુજરાત લાયન્સે હોમ ગ્રાઉન્ડ તરીકે રાજકોટ અને કાનપુરની પસંદગી કરી છે. ૨૧મી મેએ હૈદરાબાદમાં જ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ રમાશે. ૨૦૧૧ બાદ ઈન્દોરને પ્રથમ વખત આઈપીએલની મેચો મળશે.
કઇ ટીમની ક્યારે ટક્કર?
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ૮ એપ્રિલે દિલ્હી ડેરડેવિલ્સ સામે હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ મેચ રમશે જ્યારે ૭મી મેએ તે અંતિમ લીગ મેચમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો કરશે. મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ૯ એપ્રિલે મુંબઈમાં પ્રથમ મુકાબલો રમાશે. જ્યારે ૧૩મી મેએ ઈડન ગાર્ડન્સમાં આ બંને ટીમ ફરીથી આમનેસામને ટકરાશે. ગુજરાત લાયન્સ પોતાની પ્રથમ હોમ મેચ રાજકોટમાં રમશે. સુરેશ રૈનાની આગેવાનીમાં ટીમ ૧૦મી મેએ દિલ્હી ડેરડેવિલ્સ સામે અને ૧૩મી મેએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમશે. કિંગ્સ ઈલેવન પંજાબ મોહાલીમાં ફક્ત ચાર મેચ જ રમશે. પંજાબે ઈન્દોરને તેનું બીજુ હોમ ગ્રાઉન્ડ બનાવ્યું છે. આ વર્ષે ધરમશાલા અને રાયપુરને આઈપીએલની મેચો ફાળવાઇ નથી.