ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી ડ્વેન સ્મિથની નિવૃત્તિ

Tuesday 14th March 2017 07:15 EDT
 
 

શારજાહઃ વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેન ડ્વેન સ્મિથે ઇન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરીછે. ૩૩ વર્ષીય સ્મિથે પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) ટૂર્નામેન્ટની બીજી ક્વોલિફાઇંગ ફાઈનલ પહેલાં આ જાહેરાત કરી હતી. સ્મિથ છેલ્લે ૨૦૧૫ના વર્લ્ડ કપમાં નેશનલ ટીમ તરફથી રમ્યો હતો. તેણે ૨૦૦૩-૦૪માં સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને પ્રથમ ટેસ્ટમાં જ સદી નોંધાવીને તમામને પ્રભાવિત કર્યા હતા. જોકે તે પોતાની કારકિર્દી દરમિયાન માત્ર ૧૦ ટેસ્ટ જ રમી શક્યો છે. તેણે આ ફોર્મેટમાં એક સદી સાથે કુલ ૩૨૦ રન બનાવ્યા હતા.

ત્રણ વર્ષ વન-ડે અને ટી-૨૦થી દૂર

બાર્બાડોસમાં રહેનાર સ્મિથ વિન્ડીઝ તરફથી ૨૦૦૭ તથા ૨૦૧૫ની વર્લ્ડ કપ ટીમનો હિસ્સો પણ રહ્યો હતો. ૨૦૦૭ના વર્લ્ડ કપમાં વિન્ડીઝ જલદીથી બહાર ફેંકાઇ ગયા બાદ સ્મિથ લગભગ ત્રણ વર્ષ સુધી વન-ડે તથા ટી-૨૦ ટીમમાંથી બહાર રહ્યો હતો. ૨૦૧૦માં તેણે પુનરાગમન કર્યું હતું. તે ૨૦૦૭, ૨૦૧૨ તથા ૨૦૧૪ના ટી-૨૦ વર્લ્ડ કપમાં પણ ટીમમાં હતો, પરંતુ આ દરમિયાન તે ૨૦૧૨ના વર્લ્ડ કપની એક જ મેચ રમી શક્યો હતો. ટી-૨૦ ક્રિકેટમાં સ્મિથ ઘણો લોકપ્રિય ખેલાડી છે અને તે છેલ્લા કેટલાક વર્ષથી આઇપીએલ, પીએસેલ અને બીપીએલ અને ઇંગ્લિશ લીગ નેટવેસ્ટ બ્લાસ્ટમાં રમી રહ્યો છે.

૧૦૫ વન-ડે, ૧૫૬૦ રન

સ્મિથ વેસ્ટ ઇન્ડિઝ માટે પોતાની છેલ્લી ટેસ્ટ ૧૦ વર્ષ પહેલાં ૨૦૦૬માં ન્યૂઝિલેન્ડ સામે રમ્યો હતો. તેણે ૧૦૫ વન-ડેમાં ૯૨.૬૯ સ્ટ્રાઇક રેટ સાથે ૧૫૬૦ રન તથા ૩૩ ટી-૨૦ મેચમાં ૫૮૭ રન બનાવ્યા હતા. તેણે વન-ડેમાં ૬૧ વિકેટ પણ હાંસલ કરી હતી જેમાં તેણે ત્રણ વખત એક મેચમાં ચાર વિકેટની પણ સિદ્ધિ મેળવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter