જકાર્તા: ઇન્ડોનેશિયામાં એક ફૂટબોલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં હિંસા ભડકી ઊઠતા 150થી વધુનાં મોત થયા હતા અને 180થી વધુ લોકો ઘવાયા છે. BRI-1 લીગમાં બે ટીમ વચ્ચે મેચ ચાલી રહી હતી. આ વખતે એક ટીમ હારી જતા તેના ફેન્સ અને ટેકેદારો મેદાન પર દોડી આવ્યા હતા અને તોફાનનું તાંડવ મચાવીને તોડફોડ કરી હતી. પરિણામે સ્ટેડિમને ભારે નુકસાન થયું હતું.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મૃતકોમાં બે પોલીસ અધિકારીનો પણ સમાવેશ થાય છે. તોફાની ટોળાએ મેદાન પર હલ્લો કરતા 34 લોકોનાં સ્ટેડિયમની અંદર જ મોત થઈ ગયા હતા. જ્યારે ભાગદોડમાં ચગદાઈ જવાને કારણે કેટલાકનાં મોત થયા હતા. તોફાની ટોળાને કાબૂમાં લેવા પોલીસે ટિયરગેસ છોડવો પડ્યો હતો અને લાઠીચાર્જ કર્યો હતો. તોફાનીઓએ સ્ટેડિયમમાં આગ ચાંપી હતી અને ખુરશીઓ તેમજ અન્ય મિલકતને સળગાવીને કરોડોનું નુકસાન કર્યું હતું. તોફાનીઓ દ્વારા પોલીસનાં વાહનોની તોડફોડ કરીને આગ ચાંપવામાં આવી હતી. ફૂટબોલ મેચની આ ઘટાને દુખદ અને ખરાબમાં ખરાબ હોનારત તરીકે ગણાવાઈ છે.
શું હતી ઘટના?ઃ હિંસક તોફાનની આ ઘટના ગયા શનિવારે રાત્રે પૂર્વ જાવાનાં મલંગ રિજન્સીમાં કુંઝુરુહાન સ્ટેડિમમાં બની હતી. BRI-1 લીગની ફૂટબોલ મેચ વખતે મેચ હારી જનાર ટીમ અરેમા એફસીનાં ફેન્સ મેદાનમાં ઘૂસી ગયા હતા અને ભાંગફોડ કરીને તોફાન મચાવાયું હતું. પોલીસે તોફાનીઓને શાંત પાડવા ટિયરગેસના સેલ છોડ્યા હતા. આ વખતે સ્થિતિ વણસી હતી અને કેટલાક તોફાનીઓએ પોલીસ પર ખુરશીઓ તોડીને હુમલા કર્યા હતા. ભાગદોડમાં કેટલાક પડી ગયા હતા, જેમના શ્વાસ રુંધાઈ જતાં મોત થયા હતા.
સ્ટેડિયમમાં ક્ષમતા કરતા વધુ પ્રેક્ષકો
ઇન્ડોનેશિયાનાં ચીફ સિક્યોરિટી પ્રધાન મહકુદ એમડીએ જણાવ્યું હતું કે, મેચ વખતે સ્ટેડિયમ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરેલું હતું. સ્ટેડિયમમાં ક્ષમતા કરતા વધુ પ્રેક્ષકો હતા. સ્ટેડીયમની ક્ષમતા 38,000ની હતી જેની સામે 42,000 ટિકિટો વેચવામાં આવી હતી. ભાગદોડ શરૂ થતા હજારો લોકોએ મેદાનની બહાર નીકળવા ગેટ નં. 10 તરફ દોટ મૂકી હતી જ્યાં ધક્કામૂક્કી થતા કેટલાક લોકો ચગદાઈ ગયા હતા. જેમનું શ્વાસ રુંધાઈ જવાથી મોત થયું હતું.