બેંગાલૂરુઃ ભારતનો માત્ર ૨૩ વર્ષનો યુવા વિકેટકિપર બેટ્સમેન ઈશાન કિશન આઈપીએલના ઈતિહાસનો બીજા ક્રમનો સૌથી મોંઘો ભારતીય ખેલાડી બની ગયો છે. ઈશાન અગાઉ મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં જ હતો અને તેની જ ફ્રેન્ચાઈઝીએ તેને ૧૫.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
રસપ્રદ વાત એ છે કે તેની બેઝ પ્રાઈઝ રૂ. બે કરોડ નક્કી કરવામાં આવી હતી. જેના કરતાં તેને સાત ગણાથી વધુ રૂપિયા મળ્યા હતા. ગુજરાત, હૈદરાબાદ અને પંજાબની ટીમે પણ કિશનને પોતાની ટીમમાં સામેલ કરવા માટે ઊંચી બોલી લગાવી હતી. જોકે, મુંબઈ, તેના ખેલાડીને ટીમમાં પાછો લેવા માટે મક્કમ હતી અને આખરે તેઓ જ સૌથી મોટી બોલી લગાવીને જીત્યા હતા.
મુંબઈએ ઈશાન માટે બેઝપ્રાઈઝ જેટલી જ બોલી લગાવી હતી. જે પછી પંજાબે તેમાં વધુ ૨૦ લાખ ઉમેર્યા હતા. જે પછી મુંબઈ-પંજાબ વચ્ચેની સ્પર્ધા બાદ બોલી ૭.૭૫ કરોડ પર પહોંચી ગઈ હતી. આખરે ગુજરાત ટાઈટન્સે ૮ કરોડની બોલી લગાવી હતી. હૈદરાબાદની ટીમે આ તબક્કે એન્ટ્રી કરતા રૂ. ૧૩ કરોડનો દાવ લગાવ્યો હતો. ત્યારે મુંબઈએ સીધા જ ૧૫.૨૫ કરોડની રેકોર્ડ બોલી લગાવી દીધી હતી. આ પછી બોલી આગળ વધતી અટકી ગઈ હતી અને મુંબઈની ટીમમાં ઈશાન સામેલ થયો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં ઈશાને મુંબઈ તરફથી ૧૩૮.૫૦ના સ્ટ્રાઈક રેટથી ૧૧૩૩રન કર્યા છે. અગાઉ મુંબઈએ ઈશાનને રિટેન ન કરતાં બધાને આશ્ચર્ય થયું હતું.
મુંબઇ ઇંડિયન્સ મારી પહેલી પસંદઃ જોફ્રા
મુંબઇ ઇંડિયન્સ ટીમમાં ઊંચી કિંમતે સ્થાન મેળવનાર જોફ્રા આર્ચર કહે છે કે આ ટીમ મારા મારે હંમેશા પહેલી પસંદ રહી છે. જોફ્રાએ કહ્યું હતું કે આઇપીએલ ટૂર્નામેન્ટ શરૂ થઇ છે ત્યારથી મને હંમેશાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમવાની તીવ્ર ઇચ્છા હતી. મુંબઇ ઇન્ડિયન્સ સાથે જોડાવાનો મને આનંદ થયો છે. આ ટીમ મારી સૌથી પસંદગીની ટીમ રહી છે. આખરે મને ચેમ્પિયન ટીમ તરફથી રમવાનું ગૌરવ હાંસલ થશે. વિશ્વના કેટલાક સ્ટાર સાથે રમવાનો મને અનુભવ મળશે. ઇજાઓના કારણે ખોડંગાયેલી મારી કારકિર્દીમાં હું હવે નવો અધ્યાય શરૂ કરવા માટે આતુર છું.